ડ્રગ્સ કેસમાં પકડાયેલા બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરનો જામીન પર છુટકારો થયો છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર અને ધરપકડ કરાયેલા અન્ય ચારને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તેઓએ પોલીસ જ્યારે બોલાવે ત્યારે પોલીસ મથકે હાજર થવાનું રહેશે.
સિદ્ધાંત કપૂર પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે દરોડા પાડ્યા બાદ તેઓને પોતાની કસ્ટડીમાં લીધા હતા. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવૂડમાં ડ્રગનો મામલો સતત ચર્ચામાં રહે છે. આ મામલે અત્યાર સુધીમાં ઘણા સેલેબ્સના નામ સામે આવ્યા છે.
જાણવા મળેલી માહિતી મુજબ ડ્રગ્સ કેસમાં ફસાયેલા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરની પોલીસે બેંગ્લોરથી અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત કુલ છ લોકો ડ્રગ્સ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકો બેંગલુરુના એમજી રોડ સ્થિત હોટલમાં પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે દરોડો પાડીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
રસપ્રદ વાત એ છે કે આ પહેલીવાર નથી જ્યારે અભિનેતા ડ્રગ્સના કેસમાં સંડોવાયો હોય. અગાઉ 2008માં મુંબઈમાં રેવ પાર્ટી દરમિયાન પણ સિદ્ધાંતની પોલીસે અટકાયત કરી હતી તે વખતે પોલીસે અટકાયતમાં લીધેલા 240 લોકોની વચ્ચે સિદ્ધાંત પણ હતો
બાતમીના આધારે પોલીસે એમજી રોડ પરની એક હોટલમાં દરોડો પાડ્યો હતો જ્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના બ્લડ સેમ્પલમાં ડ્રગ્સ લીધાની વાત સામે આવી હતી.