નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની સતત અને સઘન પૂછપરછ અને કાર્યકરો સામે પોલીસની કાર્યવાહીથી કોંગ્રેસનો રોષ વધી રહ્યો છે. આજે ચોથા દિવસે પણ રાહુલને સમન્સ પાઠવવામાં આવ્યું છે. દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આજે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળીને નેતાઓ અને કાર્યકરો સાથે પોલીસના અત્યાચાર સામે વાંધો વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આજે દેશભરના રાજભવનોનો ઘેરાવ કરશે.
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે સંસદ ભવનમાં સ્પીકરની ચેમ્બરમાં બિરલા સાથે મુલાકાત કરી હતી. મીટીંગ બાદ ચૌધરીએ કહ્યું કે અમારી સાથે થઈ રહેલા અત્યાચાર અંગે અમે સ્પીકરને ફરિયાદ કરી હતી. દિલ્હી પોલીસ અધિકારીઓના વર્તન અને કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રવેશ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
ચૌધરીએ કહ્યું કે પોલીસ સ્ટેશનમાં પણ દિલ્હી પોલીસે કોંગ્રેસના સાંસદો સાથે એવું વર્તન કર્યું કે જાણે અમારા સાંસદો અને કાર્યકરો આતંકવાદી હોય. રાહુલ ગાંધીને સતત 3 દિવસ સુધી 10-12 કલાક લાંબી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. અમને આની સામે કોઈ વાંધો નથી. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે વેર અને હિંસાનું રાજકારણ ન કરો.