વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના કેસ વધી રહયા હોય લોકોને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહયા છે ત્યારે વડોદરાના આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે 18મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે આ કાર્યક્રમના સમારોહના ડાયસ પર બેસનારાઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
કોવિડને ધ્યાનમાં રાખીને તેનું પાલન કરવા માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અંદાજે પાંચ લાખ લોકો એકઠાં થાય તેવી સંભાવના છે. જેના માટે દરેકને માસ્ક પહેરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે,કાર્યક્રમમાં કોવિડના નિયમોનું પાલન થાય તે માટે ખાસ સૂચના અપાઈ છે.
વડોદરા શહેર અને જિલ્લામાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 140 પર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં 8 દર્દી દાખલ છે. દાખલ દર્દી પૈકી એક દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં 72 લોકો ક્વોરન્ટીન છે.
આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ગોત્રી, નવાયાર્ડ, ગોરવા, દિવાળીપુરા, અટલાદરા, સમા, સીયાબાગ, અકોટા, વિશ્વામિત્રી, સવાદ, ભાયલીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
આમ,એક તરફ કોરોનાના કેસ વધી રહયા છે ત્યારે બીજી તરફ પીએમની મુલાકાત હોય તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા કોવિડ ગાઈડ લાઈનના નિયમોનું પાલન કરવા જણાવાયુ છે.