કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો સમગ્ર દેશમાં વિરોધ શરૂ થતા સરકાર મુંઝવણમાં મુકાઈ ગઇ છે. બિહાર બાદ યુપી, હરિયાણા, હિમાચલ સહિતનાં અન્ય 6 રાજ્યોમાં તોફાનો ફાટી નીકળ્યા છે.
વિદ્યાર્થીઓએ પોલીસની ત્રણ ગાડીને સળગાવી દીધી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં ચૂંટણી અભિયાન માટે જઈ રહેલી મોદીની રેલીમાં વિરોધ વ્યક્ત કરવા જઈ રહેલા યુવાઓને રોકવામાં આવ્યા હતા. યુપીમાં પણ અભિયાન વિરુદ્ધ નારાઓ લગાવવામાં આવ્યા હતા.
બિહારમાં દેખાવો દરમિયાન બીજેપીના 2 ધારાસભ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો છે. છપરા સદરના બીજેપી ધારાસભ્ય ડો. સી એન ગુપ્તાના ઘરે દેખાવકારોએ તોડફોડ કરી છે. બીજી તરફ વારિસલીગંજની એક ધારાસભ્ય અરુણા દેવી પર પણ હુમલો કરવામાં આવ્યો છે. નવાદામાં દેખાવકારોએ બીજેપીની ઓફિસમાં આગ લગાવી દીધી છે.
આ બધા વચ્ચે ખબર આવી રહી છે કે હરિયાણાના રોહતકમાં આ યોજનાના વિરોધમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે આ વિદ્યાર્થી છેલ્લા બે વર્ષથી આર્મીમાં ભરતીની તૈયારી કરતો હતો જેણે આજે રોહતકની પીજી હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી હતી. યુવકનું નામ સચિન હતું. તે જીંદ જિલ્લાના લિજવાન ગામનો રહેવાસી છે. તે સેનાની ભરતીની નવી પોલિસી અગ્નિપથથી વ્યથિત હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે સેનાની ભરતી કેન્સલ થવાથી અને ચાર વર્ષની અગ્નિપથ યોજના આવવાથી નારાજ થઈને સચિને આ પગલું ભર્યું છે.
આમ,દેશભરમાં આ યોજના વિરુદ્ધ યુવાનોમાં દેખાવો શરૂ થયા છે.