વડોદરા નજીક ડુપ્લિકેટ સિમેન્ટ વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે,હાલ નાના મોટા અનેક બાંધકામો થઈ રહયા છે ત્યારે આવા સિમેન્ટ ના વપરાશને લઈ બાંધકામો ની ગુણવત્તા નહિ જળવાતા ક્યારેક દુર્ઘટના બનતી હોય છે અને મકાનો પડી જવાથી જાનહાની થતી હોય છે તેવે સમયે આ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે.
વડોદરાના સાવલી તાલુકાના વેમાર ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી હલકી કક્ષાનું મરટીયલ જાણીતી સિમેન્ટ કંપનીની બેગમાં ભરીને વેચાણ થતું હોવાના ચોંકાવનારા કૌભાંડનો જિલ્લા એસ.ઓ.જી એ પર્દાફાશ કર્યો છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન 26 વર્ષીય જયદેવ જાદવ નામનો ઈસમ રૂપિયા 190 ની કિંમતનો બ્લેક સ્ટોન સિમેન્ટ લાવી તેને જાણીતી સિમેન્ટ કંપનીની બેગોમાં ભરીને રૂપિયા 450માં વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે. પોલીસે સ્થળ પરથી બ્લેક સ્ટોન સિમેન્ટની 126 નંગ બેગો, સફેદ કલરની પ્લાસ્ટિકની 50 કિલોની બ્લેક સ્ટોનની કાપેલી બેગો, તેમજ મોબાઇલ ફોન સહિતનો સામાન મળી રૂપિયા 1,12,435નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આમ,હલકી કક્ષાનું મરટીયલ જાણીતી સિમેન્ટની બેગોમાં ભરી વેચાણ થતું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.