કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે,કોગ્રેસ અધ્યક્ષ સોનિયાગાંધી શ્વસન માર્ગમાં ગંભીર ચેપ સામે ઝઝૂમી રહ્યા છે. કોવિડ બાદ તાજેતરમાં તેઓના નાકમાંથી લોહી નીકળ્યુ હોવાનું ડોક્ટરોએ જણાવ્યુ હતુ.
આજે શુક્રવારે કોંગ્રેસે તેમના સ્વાસ્થ્યને લઈને મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે સોનિયા ગાંધીના શ્વસન માર્ગમાં ‘ફંગલ ઇન્ફેક્શન’ જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે કોવિડ-19 સંક્રમણ પછી આ ચેપ લાગતા તેઓની સારવાર ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોવિડનું નિદાન થયા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે 12 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 2 જૂને કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની સારવાર સર ગંગારામ હોસ્પિટલમાં ચાલી રહી છે. ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા તપાસમાં તેઓને શ્વસન માર્ગમાં ફંગલ ઇન્ફેક્શન હોવાનું જણાયુ છે,તબીબો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.
EDએ 23 જૂને સમન્સ પાઠવ્યું છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષને 23 જૂને પૂછપરછ માટે હાજર થવા માટે નવેસરથી સમન્સ જારી કર્યું છે. અગાઉ, તેમને 8 જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કોરોના સંક્રમિત હોવાના કારણે, તેમણે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે નવી તારીખની વિનંતી કરી હતી.