મહારાષ્ટ્રના હિંગોલીના એક 22 વર્ષીય યુવાન ખેડૂતે બેંકમાંથી 6.6 કરોડ રૂપિયાની લોન માટે અરજી કરી છે. ખેડૂતનું કહેવું છે કે તે આ પૈસાથી હેલિકોપ્ટર ખરીદશે.
તે આ હેલિકોપ્ટર ભાડે કરીને પોતાનું ગુજરાન ચલાવશે. તેની પાછળ તેણે દલીલ કરી હતી કે ખેતી હવે થઈ શકે તેમ નથી.
આ મામલો મહારાષ્ટ્રના હિંગોલીના તકટોડા ગામનો છે. ખેડૂતનું નામ કૈલાશ પતંગે છે. તેણે તેની લોન અરજી સાથે ગોરેગાંવની એક બેંકનો સંપર્ક કર્યો અને લોન માટે અરજી કરી. ખેડૂત કૈલાશ પતંગે પાસે બે એકર જમીન છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અનિયમિત વરસાદ અને દુષ્કાળ જેવી સ્થિતિએ ખેતી કરવી મુશ્કેલ બનાવી છે. આવી સ્થિતિમાં હવે ખેતી થઈ શકે તેમ નથી.
ખેડૂતે કહ્યુ કે છેલ્લા બે વર્ષમાં મેં મારી જમીન પર સોયાબીનની ખેતી કરી છે. કમોસમી વરસાદને કારણે મને સારું વળતર મળ્યું નથી અને પાક વીમાના પૈસા પણ પૂરતા ન હતા. આ કારણોને લીધે હવે સારું જીવન જીવવા માટે હેલિકોપ્ટર ખરીદવાનું નક્કી કર્યું છે તે તેને ભાડે આપવાનું વિચારશે.
તેણે કહ્યું કે કોણ કહે છે કે મોટા માણસો જ મોટા સપનાં જોવે? ખેડૂતો પણ મોટા સપના જોઈ શકે છે, મેં હેલિકોપ્ટર ખરીદવા માટે 6.65 કરોડ રૂપિયાની લોન માટે અરજી કરી છે. અન્ય વ્યવસાયોમાં ઘણી હરીફાઈ હોય હેલિકોપ્ટર રેન્ટ ઉપર ફેરવી સારી કમાણી કરી શકશે.