આસામ અને ત્રિપુરામાં પૂરના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. આ ભયાનક પૂરને કારણે અત્યાર સુધીમાં 55થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને રાજ્યની વર્તમાન પૂરની સ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો અને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. PM મોદીજીએ પૂરથી પ્રભાવિત લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે આસામના 28 જિલ્લામાં આ વર્ષે પૂરથી 18.95 લાખથી વધુ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે.
આસામના હોજાઈ જિલ્લામાં પૂર દરમિયાન પૂરમાં ફસાયેલા લોકોને રેસ્કયુ કરી હોડીમાં લઇ જવાઇ રહયા હતા તે હોડી પલટી ખાઈ જતા હોડીમાં સવાર ત્રણ બાળકો ગુમ થઈ ગયા હતા જ્યારે 21 અન્યને બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 24 ગ્રામવાસીઓને શુક્રવારે મોડી રાત્રે હોડીમાં બેસાડી ઇસ્લામપુર ગામથી સલામત સ્થળે જઇ જવાઇ રહયા હતા ત્યારે રાયકોટા વિસ્તારમાં ડૂબેલા ઇંટ-ભઠ્ઠા સાથે અથડાઇને તેમની હોડી પલટી ગઇ હતી.
કોપિલી નદીમાં પુર આવતા જિલ્લામાં 55,150 થી વધુ લોકોને અસરગ્રસ્ત બન્યા છે, જિલ્લામાં કુલ 29,745 લોકોએ 47 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.
પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના સદર પેટા વિભાગમાં, મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં 2,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી. તેઓએ 20 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી, એમ તેમણે જણાવ્યું હતું.