રાજ્યમાં ચોમાસુ બેસી ગયુ છે અને ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેડવાની શરૂઆત કરી વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો બીજી તરફ ભોળા ખેડૂતોને લૂંટવા કેટલાક લે ભાવુ વિક્રેતાઓ સક્રિય થઈ ગયા છે અને હલકી કક્ષાના ખાતર અને બિયારણ બજારમાં વેચાવા લાગ્યા હોવાની ફરિયાદો મળતા સુરત સંયુક્ત ખેતી નિયામકની જિલ્લા સ્કવોડ દ્વારા તાપી અને સુરત જિલ્લામાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા 22 જેટલા વિક્રેતાઓ આ પ્રકારની ગેરરીતિ પકડાતા તેઓ તમામને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.
સુરત જિલ્લાના સંયુક્ત ખેતી નિયામક ની ટીમ દ્વારા સુરત અને તાપી જિલ્લામાં તા.25મે થી તા.28મે દરમિયાન ખાતર, દવા અને બિયારણના વિક્રેતાઓના ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન ગેરરીતિ જણાતા નોટિસ અપાઈ છે.
ચેકીંગ દરમ્યાન ખાસ કરીને દવા, બિયારણ અને ખાતરનું વેચાણ કરતા વિક્રેતાઓ ખાતર નિયંત્રણ હુકમ, બિયારણ અધિનિયમ તેમજ જંતુનાશક દવા અધિનિયમોનાનું પાલન થાય છે કે કેમ ?ઉપરાંત ગુણવત્તા નિયંત્રણને લગતી ચકાસણી થઈ હતી જોકે, દવા, બિયારણ અને ખાતર શંકાસ્પદ લાગતા સુરતમાં 9 અને તાપી જિલ્લામાં 11 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતાં.
જ્યારે તાલુકાના ખેતી અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન સુરત અને તાપી જિલ્લામાં અનુક્રમે 16 અને 36 બિયારણ વિક્રેતાઓને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે, તેમજ સુરત જિલ્લાના તાલુકાઓમાં મહુવા-17, ઓલપાડ-27, કામરેજ-07, માંડવી-30, બારડોલી-26, માંગરોળ-14, ઉમરપાડા-07, પલસાણા-01 અને સુરત સિટી-30 મળી કુલ 159 નમુનાઓ અને તાપી જિલ્લાના તાલુકાઓમાં વ્યારા-20, સોનગઢ-08, ડોલવણ-03, ઉચ્છલ-06, નિઝર-10, કુકરમુંડા-07 અને વાલોડમાં-13 મળી કુલ-67 શંકાસ્પદ બિયારણના નમૂનાઓ લઈ ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.