રાજકોટના એક જાગૃત નાગરિકે હાઈકોર્ટના ચુકાદાને આધારે ચલાવેલી ન્યાયીક લડત બાદ આખરે રાજ્યના મહેસૂલ વિભાગે પરિપત્ર જારી કરી જાહેર કર્યું કે બિનખેતી કર્યા બાદ હવે બાંધકામ કરવા માટે સમય મર્યાદા રહેશે નહિ અને જમીન મહેસૂલ સંહિતા 1879ની કલમ 66-67 હેઠળ જે શરતભંગ બાબતના કેસો છે તેમને શરતભંગ ન ગણવા બાબતનો પરિપત્ર રાજ્યના તમામ કલેક્ટરને મોકલી આપતા હવે રાજ્યભરના બિનખેતી બાંધકામ શરતભંગના કેસ પૂરા થઈ ગયા છે.
રાજકોટના જાગૃત નાગરિક વિજયસિંહ ઝાલાએ જનતાને મળેલા હક્ક મુજબ જાહેર જનતાના હિત માટે એકલા હાથે લડત ચલાવી તમામ માહિતીઓ એકત્ર કરી હતી જેમાં તેઓને 1978નો એક મહત્વનો પરિપત્ર હાથ લાગ્યો હતો જેમાં અલગ અલગ ચુકાદા હતા પરિપત્ર મુજબ સમય મર્યાદાના દંડ ઉઘરાવી ન શકાય તેવી સૂચના હતી આમ છતાં રાજ્યભરમાં કેસ ચલાવવામાં આવતા હતા જે પરિપત્રના વિરુદ્ધમાં હોય આ
તમામ પુરાવાઓ સાથે કલેક્ટરને મળ્યા અને બાદમાં ગાંધીનગર તત્કાલીન મંત્રી અને સચિવોને મળીને તમામ પુરાવા રજૂ કરી ધારદાર રજુઆત કરતા આખરે આ વાતની નોંધ લેવામાં આવી હતી.
વિજયસિંહે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા પગલાં ન લેવાતા તત્કાલીન મહેસૂલ મંત્રીને તમામ આધાર પુરાવા આપ્યા હતા આખરે ગેઝેટમાં પ્રસિદ્ધ કરાયું હતું અને બાદમાં પરિપત્ર કરાયો છે. આ નિર્ણયથી હવે રાજ્યભરના બિનખેતી બાંધકામ શરતભંગના કેસ પૂરા થઈ ગયા છે.