કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધની આડમાં લુધિયાણા સ્ટેશન પર થયેલા હુમલા પાછળ પોલીસ તપાસમાં હુમલાનું વિદેશી કનેક્શન બહાર આવ્યું છે. પોલીસે હુમલામાં સામેલ 6 યુવકોના મોબાઈલ ફોનની વોટ્સએપ ચેટ સ્કેન કરી છે. જેમાં લુધિયાણા સ્ટેશન પર હુમલાની સમગ્ર યોજનાનો પર્દાફાશ થયો છે.
પોલીસને વોટ્સએપ ગ્રુપ્સમાંથી આંતરરાષ્ટ્રીય નંબરો મળ્યા છે, આ નંબરો ભરતી યોજનાનો વિરોધ કરી રહેલા વોટ્સએપ ગ્રુપમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા અને યુવાનોને હિંસા કરવા ઉશ્કેરતા હતા. આ નંબરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ હુમલો સુનિયોજિત રીતે કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સીસીટીવી ફૂટેજને સ્કેન કર્યા બાદ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની કોલ ડિટેઈલ અને હુમલાના વિદેશી કનેક્શનની તપાસ શરૂ કરી છે, જેમાં ષડયંત્ર સાથે જોડાયેલી ઘણી મહત્વની માહિતી પોલીસને હાથ લાગતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
મહત્વનું છે કે ગતરોજ શનિવારે લાકડીઓ અને પેટ્રોલની બોટલો સાથે આશરે 50 થી 60 બદમાશોએ લુધિયાણા સ્ટેશન પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને પ્લેટફોર્મના એન્ટ્રી ગેટ, ડિસ્પ્લે બોર્ડ, બુક સ્ટોલ, રિફ્રેશમેન્ટ કેન્ટીન, CMI ઓફિસ, ડેપ્યુટી SS ઓફિસ અને CHIની ઓફિસમાં તોડફોડ કરી હતી.