દેશનો સૌપ્રથમ મલ્ટી લેયર બ્રિજ સુરતમાં તૈયાર થયા બાદ સુરતીલાલાઓમાં ખુશી પ્રસરી છે અને ટ્રાફીકમાંથી મુક્તિ મળી છે.
દેશનો સૌપ્રથમ મલ્ટી લેયર બ્રિજ સુરતમાં બન્યો છે, રૂ.133.50 કરોડના ખર્ચે બનેલો આ થ્રી લેયર બ્રિજને સાંસદ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યા બાદ સુરતીઓમાં ખુશી ફેલાઈ છે અને ટ્રાફિકમાંથી મુક્તિ મળી છે,આ બ્રીજ બનતા રિંગ રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
ગુજરાતના સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે આજે 19 જૂને સાંજે લોકાર્પણ બાદ કડોદરાથી સહારા દરવાજા તરફ આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ, સાંસદ પ્રભુ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
સુરતના રિંગ રોડ સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલની આસપાસ ખૂબ જ ટ્રાફિકનું ભારણ જોવા મળતું હતું જે આ બ્રિજના કારણે હવે વાહન ચાલકોને પણ મોટી રાહત થશે. તેની સાથે નેશનલ હાઈવેની કનેક્ટિવિટીનો પણ માર્ગ મોકળો થઈ ગયો છે. સુરતમાં આ સાથેજ 117મા બ્રિજનું નિર્માણ થયું છે. સુરતમાં અત્યાર સુધીમાં તૈયાર થયેલા બ્રિજમાં સૌથી આકર્ષક અને સૌથી ઉપયોગી બ્રિજ પૈકીનો આ એક બ્રીજ છે.