પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં સામેલ મનાતા શાર્પ શૂટર પ્રિયવર્ત ફૌજી અને કશિશ દિલ્હી પોલીસના હાથે ગુજરાતમાંથી ઝડપાઇ ચૂક્યા છે.
આ બદમાશો તેઓના ત્રીજા સાથીદાર કેશવની સાથે ગુજરાતના મુંદ્રા પોર્ટ નજીક એક ભાડાના મકાનમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે આ સાથેજ સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં 11 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતના કચ્છમાં છુપાયેલા આરોપીઓ પૈકી ફૌજી હરિયાણાના સોનીપત જિલ્લાના ગઢી સિસાનાનો રહેવાસી છે. જ્યારે કેશવ ઉર્ફે કુલદીપ ગાંવ બેરી હરિયાણાનો રહેવાસી છે. તેના વિરૂદ્ધ ઝઝ્ઝરમાં 2021માં મર્ડર કેસ ચાલી રહ્યો છે તે ભઠિંડાનો રહેવાસી છે.
દિલ્હી પોલીસની તપાસમાં સામે આવ્યું કે મૂસેવાલાની હત્યામાં કુલ 6 શાર્પ શૂટર્સ સામેલ હતા. જે કોરોલા અને બોલેરોમાં આવ્યા હતા અને હત્યારાઓએ ફૂલ પ્લાનિંગ કર્યું હતું કે જો હથિયાર ફેલ થયા હોત કે કોઈ ખતરો જણાત તો મૂસેવાલા પર ગ્રેનેડ એટેકની પણ તૈયારી સાથે આવ્યા હતા.
આ ઉપરાંત શાર્પ શૂટર્સે પોલીસનો યુનિફોર્મ પણ લીધા હતા. જો કે નેમ પ્લેટ ન હોવાને કારણે તેઓએ યુનિફોર્મ પહેર્યા ન હતા. મૂસેવાલાની હત્યા કર્યા બાદ હત્યારાઓએ ગોલ્ડી બરાડને ફોન કરી જણાવ્યું હતુંકે કામ થઈ ગયું છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સ્પેશિયલ પોલીસ કમિશનર એચજીએસ ધાલીવાલે જણાવ્યું કે મૂસેવાલાની હત્યા માટે 2 મોડ્યૂલ એક્ટિવ હતા. બંને કેનેડા બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરાડના સંપર્કમાં હતા. બોલેરોને કશિશ ચલાવી રહ્યો હતો. તે ટીમનો હેડ પ્રિયવર્ત ફૌજી હતો. તેની સાથે અંકિત સેરસા અને દીપક મુંડી હતા. કોરોલા ગાડીને જગરુપ રુપા ચલાવી રહ્યો હતો. મનપ્રીત મન્નુ તેની સાથે બેઠો હતો.
પહેલા મોગાના શાર્પ શૂટર મનપ્રીત મન્નુએ AK-47થી મૂસેવાલા પર ફાયર કર્યુ હતું જેની ગોળી મૂસેવાલાને લાગતા મૂસેવાલાની થાર ગાડી ત્યાં જ ઉભી રહેતા હત્યારાઓ કોરોલામાંથી ઉતર્યા અને બોલેરોમાંથી પણ 4 શૂટર ઉતર્યા બાદ તમામ 6 શાર્પ શૂટરે ફાયરિંગ કર્યું. જ્યારે તેમને ખબર પડી કે હવે મૂસેવાલા નહીં બચે તો તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા.
ઘટના પછી મન્નુ અને રુપા અલગ થઈ ગયા. બાકી 4 લોકો બોલેરોમાં અલગ જતા રહ્યાં. તેઓએ થોડાં કિલોમીટર પછી કેશવને પોતાની ગાડીમાં બેસાડ્યો. ત્યાંથી તેઓ ફતેહાબાદ પહોંચ્યા. થોડો દિવસ ત્યાં રોકાયા પછી આગળ જતા રહ્યાં. તેઓ અનેક જગ્યાએ છુપાતા રહ્યાં. 19 જૂને સવારના સમયે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેમને ખારી મિઠ્ઠી રોડ મુંદ્રા પોર્ટની પાસેથી પકડી લીધા. તેમને કોઈ લોકલ ડીલરની મદદથી ભાડાનું મકાન લીધું હતું
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આ આરોપીઓ પાસેથી 8 હાઈ એક્સપ્લોઝિવ ગ્રેનેડ, અંડર બેરેલ ગ્રેનેડ લોન્ચર જપ્ત કર્યા છે. જેને AK47 પર પણ ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત એક અસોલ્ટ રાઈફલ, 3 પિસ્તોલ, 36 રાઉન્ડ કારતૂસ, એક પાર્ટ AK સીરીઝ અસોલ્ટ રાયફલ મળી છે.
પ્રિયવર્ત ફૌજી હરિયાણાના સોનીપતના ગઢી સિસાના રહેવાસી છે. કુખ્યાત પ્રિયવર્ત પર 2 હત્યાઓ સહિત કુલ 11 કેસ છે. સોનીપતના ખરખૌદા તેમજ બરોદા પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ મર્ડરનો કેસ છે. 10 કેસમાં તેની ધરપકડ થઈ ગઈ છે. જે બાદ તેનું નામ સવા વર્ષ પહેલાં કૃષ્ણ હત્યાકાંડમાં સામે આવ્યું. જે બાદ હરિયાણા પોલીસે તેના પર 25 હજારનું ઈનામ રાખ્યું છે.
પંજાબ પોલીસે 4 શાર્પ શૂટર્સની ઓળખ કરી હતી
પંજાબ પોલીસે આ કેસમાં 4 શાર્પ શૂટર્સની ઓળખ કરી હતી. જેમાં હરિયાણાના સોનીપતના પ્રિયવર્ત ફૌજી અને અંકિત સેરસા ઉપરાંત પંજાબના અમૃતસરમાં રહેતો જગરુપ રુપા અને મોગાનો મનુ કુસ્સા સામેલ છે. પંજાબ પોલીસે આ ચારની શોધખોળ કરી રહી હતી.
પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની 29 મેનાં રોજ સાંજે 5 વાગ્યે માનસાના ગામ જવાહરકેમાં હત્યા થઈ હતી. મૂસેવાલા પર લગભગ 40 રાઉન્ડ ફાયર કરાયા હતા. મૂસેવાલાના શરીર પર 19 જેટલાં ઈજાના ઘા હતા. જેમાંથી 7 ગોળી મૂસેવાલાને લાગી હતી. ગોળી લાગ્યાને 15 મિનિટમાં જ મૂસેવાલાનું મોત નિપજ્યું હતું. બોલેરો અને કોરોલા ગાડીથી પીછો કરીને થાર જીપથી જઈ રહેલા મૂસેવાલાની હત્યા કરાઈ હતી. તે સમયે મૂસેવાલાની સાથે ગનમેન ન હતો.
મૂસેવાલા હત્યાકાંડના મામલે પંજાબ પોલીસે અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી શાર્પ શૂટર્સને કોરોલા ગાડી આપનાર મનપ્રીત ભાઉ, ગેંગસ્ટર મનપ્રીત મન્ના અને સરાજ મિન્ટુ, પ્રભદીપ સિદ્ધૂ ઉર્ફે પબ્બી, મોનૂ ડાગર, પવન બિશ્નોઈ, નસીબ ખાન, મનમોહન સિંહ મોહના અને મૂસેવાલાનો ફેન બનીને રેકી કરનાર સંદીપ કેકડા સામેલ છે.
પંજાબ પોલીસ મૂસેવાલાની હત્યાની જવાબદારી લેનાર લોરેન્સ ગેંગનો ચીફ લોરેન્સની પણ પૂછપરછ કરી રહી છે. તેને દિલ્હીથી પ્રોડક્શન વોરન્ટ પર લાવી તેની પૂછતાછ ચાલુ છે જ્યારે માસ્ટર માઈન્ડ ગણાતા અને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરાડ વિરૂદ્ધ પણ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.