મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે. સોમવારે એમએલસી ચૂંટણીમાં, ભાજપે શિવસેનાના નેતૃત્વવાળા એમવીએ ગઠબંધનને ફરી એક ઝટકો આપ્યો છે ત્યારે મંગળવારે શિવસેનાના 10-12 ધારાસભ્યો ગુજરાત પહોંચતા નવજુની ના અણસાર મળી રહયા છે. સાથેજ હવે ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે.
આ બધા વચ્ચે ઠાકરેએ આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ શિવસેનાના 10 થી12 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે સુરતની હોટલમાં રોકાયા છે. શિવસેનાના ધારાસભ્ય શિંદે ગઈકાલથી શિવસેનાના સંપર્કમાં ન હતા. તેઓ સુરતની એક હોટલમાં રાખવામાં આવ્યા છે અને તેઓ સાથે શિવસેનાના 12 ધારાસભ્યોના પણ હોવાના સમાચાર છે.
જોકે,મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની શક્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ગઈ કાલે જંગી ક્રોસ વોટિંગ થયું હતું. 10 બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ મહા વિકાસ આઘાડી (MVA)ને ફરી એક ઝટકો લાગ્યો છે. જ્યારે ભાજપે એકલા પાંચ બેઠકો જીતી હતી, શિવસેના અને એનસીપીએ બે-બે બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. રાજ્યસભાની ચૂંટણી પછી, સતત બીજી વખત, એમવીએ સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની જમીન સરકી રહી હોય તેવું લાગી રહ્યું છે. ક્રોસ વોટિંગનો ડર વધી ગયો છે કારણ કે શિવસેનાને તેના 55 ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોને સમર્થન હોવા છતાં માત્ર 52 મત મળ્યા છે.