વડોદરામાં પ્રિ મોન્સૂન કામગીરી માટે રૂ.6 થી 7 કરોડનો ખર્ચ કરવા છતાં ઠેરઠેર ખોદવામાં આવેલા રસ્તા અને તૂટી ગયેલા રસ્તાઓ ઉપર પાણી ભરાતા અકસ્માતના બનાવો વધ્યા છે અને માત્ર થોડાજ વરસાદમાં કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. અને પ્રિ-મોન્સૂન કામગીરી માટે ખર્ચ કરવામાં આવેલા રૂપિયા 6 થી 7 કરોડ ક્યાં અને કેવી રીતે ખર્ચાયા તે અંગે જનતામાં અનેક સવાલો ઉભા થયા છે.
શહેરના યમુના મીલથી ગાજરાવાડી, ગોમતીપુરા, વાસણા ભાયલી રોડ વિસ્તારમાં બનેલી નવી ટી.પી.ના માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાઈ જતા શરૂ થયેલી હાલાકીની ફરિયાદો વધી ગઈ છે.
બીજી તરફ શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં વરસાદી કાંસ, રસ્તાઓ ડ્રેનેજ લાઈન, વૃક્ષો કટીંગ સહિતની ચોમાસા પૂર્વે કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરી 90થી 97 ટકા પૂર્ણ કરી દેવામાં આવી હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયાછે.
શહેરમાં રૂપિયા 6 થી 7 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સત્તાધીશો નું કહેવું છે, પરંતુ, અડધો ઇંચ વરસાદમાં જ વડોદરા કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
બે દિવસ પહેલા વાસણા ભાયલી રોડ ઉપર ખુલ્લી કાસમાં એક વ્યક્તિ પડી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ કાંસ પાસે જઈને કોર્પોરેશન સામે દેખાઓ સૂત્રોચ્ચાર કર્યાં હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ખુલ્લી કાંસ બાબતે અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો અને કોર્પોરેશનની વોર્ડ ઓફિસોમાં રજૂઆત કરવા છતાં પણ ખુલ્લી કાંસ બંધ કરવામાં ન આવતા એક વ્યક્તિનો ભોગ લેવાયો છે અને હજુપણ ખતરો ટળ્યો નથી.
શહેરના ગોત્રી સહિતના વિસ્તારોમાં રોડ તૂટી જતા ઉબડ ખાબળ રોડ ઉપર વાહન ચાલવવું જોખમરૂપ બન્યું છે એમાં ક્યાં રૂપિયા વાપર્યા તે સવાલ છે.સેવાસી થી આગળ ભીમપોર તરફ મુખ્ય રસ્તાના કામો અધૂરા રહેતા વનવે જેવી સ્થિતિ અનેક અકસ્માતનું કારણ બની શકે તેમ છે ત્યારે સબંધિત વિભાગ તાત્કાલિક પગલાં ભરે તે જરૂરી છે બીજી તરફ પહેલાજ વરસાદે વડોદરાનો વિકાસ પાણીમાં ધોવાઈ ગયો હોવાનું જણાય રહ્યું છે.