વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટ્રસના મકાનો બનાવવા હલકું મરટીયલ વાપરી સમય કરતા વહેલા જર્જરિત થવા છતાં રિપેરિંગ નહીં કરનાર કોન્ટ્રાક્ટર મેસર્સ કે.આર. મકવાણા અને તેના પેઢી સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા જવાબદારો દોડતા થઈ ગયા છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ મેસર્સ કે.આર.મકવાણા (રહે. મિસ્ત્રી સોસાયટી પાછળ, ભાલેજ રોડ, આણંદ) એ ગત 15 સપ્ટેમ્બર 1999ના રોજ ગુજરાત રાજ્ય પોલીસ આવસ નિગમ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટરના હુકમ મુજબ વડોદરા પ્રતાનગર પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે પોલીસ સ્ટાફ ક્વાટર્સ બ્લોક નંબર B/14થી B/19, કક્ષા B-96 મકાનોનું બાંધકામ 21 માસની મુદતમાં પૂર્ણ કરી નિયમો મુજબ આપવાનું નક્કી થતા મેસર્સ કે.આર.મકવાણાએ 16-12-2000ના રોજ સંપૂર્ણ કામના કુલ ખર્ચ પેટે રૂ. 1 કરોડ 48 લાખ 56 હજાર 653 મેળવી લીધા બાદ નબળા બાંધકામને કારણે મકાનો તેના નિર્ધારિત સમય પહેલાજ જર્જરીત અને જોખમી થઈ જતા કોઈ દુર્ઘટના ન બને તે માટે આવાસો ખાલી કરાવાયા હતા.
બાદમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ કચેરી તરફથી 20-7-2020ના રોજ આરોપી કે.આર.મેસર્સને આ આવાસોમાં સ્ટ્રક્ચરલ મેમ્બરના જરૂરી રીટ્રોફીટીંગની કામગીરી સ્ટ્રક્ચરલ નિષ્ણાતોની સૂચના મુજબ સ્વખર્ચે કરી આપી સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા તેમજ સ્ટ્રક્ચરલ મેમ્બર ઉપરાંત અન્ય કોઇ ટેન્ડર આઇટમનું કામ સ્પેશીફિકેશન મુજબ થયેલું ન જણાય તો તેનું જરૂરી રીપેરિંગ પણ સ્વખર્ચે કરી આપવાનું આરોપી કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું.
આમ છતાં કે.આર.મકવાણા પેઢીના માલિક અને ભાગીદારોએ તેમજ પેઢી સાથે સંકળાયેલ જવાબદાર વ્યક્તિઓએ પુરતા મેનપાવર સાથે આજદીન સુધી નહીવત કામગીરી કરી તેમજ નબળી ગુણવાત્તાના પોલીસ આવાસ બનાવી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ કચેરી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા જવાબદાર વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઇ છે.