ગુજરાતમાં કેન્દ્રના મોટા નેતાઓનું આગમન ચાલુ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતો વધી છે ત્યારે ફરી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહયા છે.
કેવડિયા ખાતે તા. 25 અને 26 જૂનના રોજ કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બે દિવસ ચાલનારી ખાસ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે.
અમિત શાહ તા. 24મી જૂનના રોજ રાતના 10 કલાકે વડોદરા આવી પહોંચશે. જ્યાં રાત્રી રોકાણ બાદ તેઓ તા. 25મી જૂનના રોજ સવારે વડોદરા એરપોર્ટથી નિકળી કેવડિયા જશે.
જ્યાં ટેન્ટ સિટી -1માં મળનાર ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં હાજરી આપવા કેવડિયા પહોંચશે. જ્યારે બીજા દિવસે બપોરે એક કલાકે ફોરેન્સીક સાયન્સ વિભાગની બેઠકમાં હાજરી આપશે.
બે દિવસ વિવિધ વિભાગની બેઠકમાં હાજરી આપવા ઉપરાંત તેઓ એકતા ટ્રાઇબલ કેફે, એકતા પાર્ક, ફૂડ અને ન્યૂટ્રિશિયન પાર્ક, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લેઝર શો તેમજ ડેમ ખાતે લાઇટિંગ વિગેરેની મુલાકાત લેશે. જે બાદ તા. 26મી જૂનના રોજ રાતે હવાઇ માર્ગે અમદાવાદ જશે. જ્યાં તેમના નિવાસ સ્થાને રાત્રી રોકાણ કરનાર હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.