મહારાષ્ટ્રમાં સરકાર અને પાર્ટીને બચાવવા ઉદ્ધવ ઠાકરેના છેલ્લા પ્રયાસો જારી રહ્યા છે તેઓએ આ ઘટનાક્રમને ભાજપની ચાલ જણાવી છે.
NCP સુપ્રીમો શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર શુક્રવારે સાંજે ઉદ્ધવના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા હતા અને બેઠક કરી હાલ સર્જાયેલી સ્થિતિ ઉપર ચર્ચા કરી હતી.
માનવામાં આવે છે કે હવે શિંદેને કાયદાકીય લડાઈમાં પછાડવાની તૈયારી કરવામાં આવી રહી છે.
બહુમતી ગુમાવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરકાર અને પાર્ટીને બચાવવાનો છેલ્લો પ્રયાસ કર્યો છે.
શુક્રવારે રાત્રે યોજાયેલી પાર્ટીના જિલ્લા અને વિભાગના વડાઓની બેઠકમાં, તેમણે શિંદે અને બળવાખોર ધારાસભ્યોને રોગથી બગડેલા ફળો અને ફૂલો ગણાવ્યા હતા.
તેઓએ કહ્યું,કે તમારી પાસે ફૂલો હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી મૂળ મજબૂત છે ત્યાં સુધી મને ચિંતા નથી. ઠાકરેએ આરોપ લગાવ્યો કે, શિવસેનામાં બળવા પાછળ ભાજપનો હાથ છે. બેઠકમાં ઉદ્ધવના પુત્ર આદિત્યએ સ્વીકાર્યું કે ધારાસભ્યોની સંખ્યા તેમના પક્ષમાં નથી.
આ બધા વચ્ચે બળવાખોર એકનાથ શિંદેની તાકાત વધતી જોવા મળી હતી. મુંબઈના ચાંદીવલીના ધારાસભ્ય દિલીપ લાંડે ગુવાહાટી પહોંચ્યા અને તેમની શિબિરમાં જોડાયા. આ સાથે જ શિવસેના સામે બળવો કરનારા ધારાસભ્યોની સંખ્યા 37 થી 38ના જાદુઈ આંકડાને પાર કરી ગઈ છે, જે બે તૃતીયાંશનો આંકડો છે. જોકે, શિંદેનો દાવો છે કે, શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યો ગુવાહાટીમાં તેમની સાથે છે.