સુરતના મહુવા તાલુકાના તરકાણી,લસણપોર અને ગાંગડીયા સહિતના ગામોમાં વાવાઝોડુ ફૂંકાતા 50 થી વધુ ઘરોને નુકશાન થવા સાથે વૃક્ષો તૂટી પડ્યા હતા અને શાકભાજીના પાકને નુકશાન ખેડૂતો ભારે મુશ્કેલીમા મુકાઈ ગયા હતા.
ભારે પવન અને ગાજ વીજ સાથે પડેલા ધોધમાર વરસાદને લઈ ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. લસણપોર,તરકાણી અને ગાંગડીયા ગામોમાં ભારે પવન સાથે પડેલા વરસાદમા લસણપોર ગામના 39 ઘરોના નળિયા અને પતરા તૂટી ગયા હતા ઉપરાંત ઉભા આંબાના ઝાડો પણ મૂળ માંથી ઉખડી ગયા હતા જ્યારે શાકભાજીના માંડવા પણ તૂટી ગયા હતા.
ગાંગડીયા ગામે પણ 10 ઘરોના પતરા ઉડી ગયા હતા અને નળિયા પણ તૂટી ગયા હતા તેમજ 50 જેટલા ગ્રામજનોને નુકશાન થયું હતુ.આ વાવાઝોડામાં નુકસાનઅંગે જાણ થતા તલાટી તથા તાલુકા વિકાસ અધિકારીની ટીમે આ ત્રણેય ગામોની મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરી હતી.
