ફરીએકવાર 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોનો મામલો સપાટી ઉપર આવ્યો છે, સુપ્રીમ કોર્ટ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આપેલી ક્લીનચીટ બાદ હવે કાયદાના દુરપયોગ કરવા સામે તપાસના ચક્રો ગતિમાન થયા છે.
સુપ્રીમ કોર્ટે જાકીયા ઝાફરીની અરજી ફગાવી દઇ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપતા ગુજરાત એટીએસએ મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવ્યા બાદ અમદાવાદ આવવા રવાના થયા હોવાના અહેવાલ છે.
બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ ફરિયાદ નોંધી ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પુછપરછ પછી તેમની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને આરોપીઓ બતાવાયા છે.
ઝાકીયા ઝાફરીની પીટીશન ફગાવતા સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસને નિર્દેશ આપ્યો હતો કે, ઝાકીયાની અરજી પાછળ કોનો હાથ છે અને કાયદાની કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોંધાવેલી ફરિયાદમાં હાલમાં જેલમાં રહેલા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ, પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમાર અને સ્વૈસ્છીક સંસ્થા ચલાવતા તિસ્સા સેતલવાડને આરોપીઓ દર્શાવી સંજીવ ભટ્ટ, શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ પાસે ઘટનાની સાચી જાણકારી હોવા છતા તેમણે ખોટી જાણકારી જાહેર કરી, કરાવડાવી ગુજરાતની છબીને નુકસાન પહોંચાડ્યું તેની સાથે કાયદાકીય પ્રક્રિયાને પ્રભાવિત કરી તેનો દુરુપયોગ પણ કર્યો હોવાનું જણાવાયુ છે.
ફરિયાદ મુજબ, ગુજરાતના રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટી , ટ્રાયલ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સામે ખોટા પુરાવા મુકવા અને ભ્રમિત થાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હોવાનું જણાવાયુ છે.
આ મેટરમાં તેમના દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો એક પૂર્વયોજીત કાવતરું હોવાની નોંધ લઈ આરોપીઓ સામે આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી અનુસાર કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
જેના ભાગરૂપે તિસ્તા સેતલવાડની ધરપકડ કરવા એક ટીમને વહેલી સવારે જ મુંબઈ રવાના કરી દેવામાં આવી હતી.
જ્યાં જાણીતા એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડના ઘરે ગુજરાત એસ.ટી.એસના ત્રણ અધિકારીઓ પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તિસ્તા સેતલવાડ દ્વારા એફિડેવિટમાં છેડછાડ કરી હોવાની, તેમજ જાકિયા જાફરી સાથે થયેલી એક અરજીમાં તેણે બોગસ સહી કરી હોવાનું મનાય છે.
ATSની ટીમ સેતલવાડને લઈને અમદાવાદ રવાના થઈ છે. તો બીજી ટીમે સેતલવાડના ઘરે તપાસ કરી રહી છે.
જ્યારે બીજી તરફ પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને આ મામલે પોતાનું નિવેદન નોંધવા ક્રાઈમ બ્રાન્ચ આવવા સમન્સ મોકલવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેમની સામે નોંધવામાં આવેલી ફરિયાદ અંગે તેમને જાણ કર્યા બાદ તેમની ધરપકડ કરતા આ પ્રકરણે પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે.