સુરતના ધારાસભ્ય કાનાણીને રજુઆત માટે પહોંચેલા આપ અને ભાજપના કાર્યકરો સામ સામે આવી જતાં ભારે બઘડાતી બોલી હતી.
પરિણામે પોલીસને ઘટના સ્થળે દોડી ગઈ હતી,ભાજપના કાર્યકરોએ આપના કાર્યકરોને માર મારીને કારના કાચ પણ તોડી નાખ્યા હોવાના આક્ષેપ લાગ્યા હતા.
કાપોદ્રા વિસ્તારમાં મમતા પાર્ક પાસેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આજે ધારાસભ્ય કુમાર કાનાણી હાજર રહેવાના હોવાની જાણ થતાની કોર્પોરેટરોએ શાળાની બાજુમાં દારૂના અડ્ડા અને મટનની દુકાનોના ન્યુસન્સ અંગે રજૂઆત કરવા જતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શાળામાં પહોંચે તે પહેલા જ બબાલ શરૂ થઈ ગઈ હતી.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 4ના કોર્પોરેટરોને શાળામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરાયો અને ત્યારબાદ તેમને ફરીથી શાળાની અંદર બોલાવી લેવાયા અને બહાર પોલીસ બોલાવી લેવામાં આવી હતી. થોડા સમય માટે ભારે હોબાળો મચી ગયો હતો.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને શાળાની અંદર જાણે બંધક બનાવી દીધા હોય એ રીતે બેસાડી રાખવામાં આવ્યા હતા.
આ બાબતની જાણ થતા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા સહિતના આપના કોર્પોરેટર અને હોદ્દેદારો ત્યાં પહોંચી ગયા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા કેટલાક મુદ્દાઓની રજૂઆત કરવા માટે ધારાસભ્ય કુમાર કાનાણી સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.