મહારાષ્ટ્રમાં ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે સમાચાર છે કે ભાજપ હવે સરકાર બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે. આ પહેલા ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે વચ્ચે મુલાકાતના અહેવાલ હતા.
હવે એવા અહેવાલ છે કે શનિવારે મોડી રાત્રે આસામના મંત્રી અશોક સિંઘલ પણ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મળવા માટે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે અસલી શિવસેનાને લઈને પણ વિવાદ ઉભો થયો છે. શિંદે જૂથ વતી બાળાસાહેબના નામે અલગ પાર્ટીનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચી શકે છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી એકવાર બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, લોકો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના પર વિશ્વાસ કરશે.
ગઈકાલે તેમણે કહ્યું હતું કે જે લોકો બહાર ગયા છે તેઓ શિવસેના નામનો ઉપયોગ બંધ કરે અને પોતાના બાપના નામનો ઉપયોગ કરે અને વોટ માંગે. રાઉતે વધુમાં કહ્યું કે, તેમને જે કરવું હોય તે કરવા દો, મુંબઈ આવવું જ પડશે,તમે અમને ત્યાં બેસીને શું સલાહ આપો છો? લાખો શિવસૈનિકો અમારા તરફથી ઈશારાની રાહ જોઈ રહ્યા છે’ પરંતુ હજુ પણ અમારી પાસે સંયમ છે.
આમ, રાઉત પીઠપણે કામ લેવાને બદલે ‘આગ લગાવી દઉં’ તોડી નાખું -ફોડી નાખું, તલવાર ચલાવું, વગરે બાલિશ નિવેદનો કરી રહયા હોય ‘કાકા ની સાઠે બુદ્ધિ નાઠી’ જેવું લોકોને લાગી રહ્યું છે અને લોકો હસી રહયા છે.
શિવસેનામાં બળવા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે પણ મેદાનમાં ઉતર્યા છે. તે બળવાખોર ધારાસભ્યોની પત્નીઓનો સંપર્ક કરી રહી છે. બીજી તરફ સીએમ ઉદ્ધવ ઠાકરે પણ બળવાખોર ધારાસભ્યોને મેસેજ મોકલી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બળવાખોર ધારાસભ્ય ઉદ્ધવ ઠાકરેના મેસેજના જવાબમાં તેઓ એટલું જ કરી રહ્યા છે કે તેઓ શિવસેના સાથે છે.
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ આજે બપોરે 12 વાગ્યે બળવાખોર ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વધુ રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. સમાચાર છે કે ગુવાહાટીની જે હોટલમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યો રોકાયા છે. ત્યાં બુકિંગ 30 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે.