વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. આ બેઠક જર્મનીની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. જેમાં વિશ્વના સાત શક્તિશાળી દેશોના વડાઓ ભાગ લેશે.
PM મોદીનું જર્મનીના મ્યુનિક પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાવેરિયન બેન્ડની ધૂન વચ્ચે એરપોર્ટ પર તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. મ્યુનિક એરપોર્ટની બહાર ભારતીય સમુદાયના લોકોએ પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું અને ‘મોદી-મોદી’ અને ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા હતા.
અહીં પહોંચતા જ પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘હું સમિટ દરમિયાન વિશ્વના નેતાઓ સાથે લાભદાયી ચર્ચાની રાહ જોઈ રહ્યો છું.’
26 અને 27 જૂનના રોજ યોજાનારી G-7 સમિટમાં યુક્રેન-રશિયા યુદ્ધ, ઈન્ડો-પેસિફિકની સ્થિતિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, આબોહવા સહિતના મહત્ત્વના વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવામાં આવશે. આ સિવાય પીએમ મોદી કોન્ફરન્સમાં સામેલ થનારા ટોચના નેતાઓને પણ અલગથી મળશે. પીએમ મોદી જર્મની પ્રવાસ દરમિયાન ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.