રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS શ્રી કુમારને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા અને બંનેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં લઈ જવાયા હતા.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. હાલ તપાસમાં તિસ્તા સહકાર ન આપતી હોવાનો ખુલાસો થયો છે. કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી ડી.પી ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
મુંબઈથી ગુજરાત એટીએસ તિસ્તાની અટકાયત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી અને વહેલી સવારે એટીએસે ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
સવારે 6 વાગે તિસ્તા સેતલવાડને ગુજરાત ATSએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરી હતી. તિસ્તા સેતલવાડને મેડિકલ રિપોર્ટ માટે ક્રાઈમ બ્રાન્ચથી વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ફરિયાદ બાદ તિસ્તાની અટકાયત બાદ આજે રવિવારે સવારે 6 વાગ્યે ધરપકડ કરાઈ હતી. અત્યાર સુધી તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ કરાઈ છે. જ્યારે સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર જેલથી અમદાવાદ લાવવામાં આવશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોધાવેલી ફરિયાદમાં સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને આરોપી તરીકે દર્શાવાયા છે. ફરિયાદમાં જાકિયા જાફરીને મદદ કરતા તેની કોર્ટ પિટિશન, એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પૂરાવાઓ સાચા તરીકે ઉપયોગ માટે રજૂ કર્યા હતા. આરોપીઓ સામે આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી મુજબ ગુનો નોધાયો હતો.