રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી વચ્ચે અમદાવાદ, રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ અને અનેક ઝાડ તૂટી પડવાના બનાવો બન્યા છે.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે પણ અરબી સમુદ્ર નાં વિસ્તારોમાં નવું લો પ્રેશર બન્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
સુરેન્દ્રનગર પાટડી અને ગોરીયાવટમાં મીની વાવાઝોડું ફૂંકાતા અનેક વૃક્ષો, વીજપોલ તૂટી પડવાના બનાવો સાથે કેટલાક મકાનના પતરાઓ ઉડી જવાના બનાવો બન્યા છે,બોટાદના બરવાળા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ થતાં વીજળી ગુલ થઈ ગઈ હતી,માલપુરના અણીયોર પાસે ઝાડ પડતા એક યુવકનું મોત થઈ ગયું હતું.
અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થતા પ્રહલાદનગર, વેજલપુર, શિવરંજની, બોડકદેવમાં વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ છે અને 5 કારને નુકશાન થયું છે.
ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ છે અને અરવલ્લીના પિસાલ અને ઇપલોડા ગામે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો અને અહીં 10 જેટલા મકાનોના પતરા ઉડી ગયા હતા,રીંછવાડમાં પણભારે પવનના કારણે પતરા ઉડી ગયા હતા જેમાં તબેલામાં એક પશુનું મૃત્યુ હતું જ્યારે અન્ય કાચા મકાનોને પણ નુકશાનના અહેવાલ છે.
રાજકોટમાં હનુમાન મઢી ચોક નજીક બિલ્ડીંગ પર પડી આકાશી વીજળી પડતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. મધ્ય ગુજરાતમાં પણ તોફાની વરસાદને પગલે ડાકોર-કપડવંજ હાઈવે પર વાહનવ્યવહારને અસર થઈ હતી અને આ વિસ્તારમાં પણ વરસાદ અને ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થયાના બનાવો બન્યા હતા.
ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં ગોધરા દરૂણીયા ગામે તાડના વૃક્ષ પર વીજળી પડતા વૃક્ષ સળગી ઉઠ્યું હતું અને સળગતા તણખા નીચે પડતા ખેતરની વાડ પણ સળગી ઉઠી હતી.
અરવલ્લીના માલપુરના અણીયોર પાસે વૃક્ષ પડવાની ઘટના ઘટી. આ દુર્ઘટનામાં બાઇક ચાલકનું મૃત્યું થયું.. બાઇક ચાલક મોડાસાથી અણીયોર આવતો હતો તે સમયે આ ઘટના ઘટી.. ભારે પવન સાથે વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થયુ હતું.
રાજકોટમાં ભારે પવન સાથે વરસાદના કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાના બનાવો બન્યા હતા.
રાજકોટના દૂધસાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે ભારે પવનના કારણે પાર્ક કરાયેલી કાર પર વિજપોલ ધરાશાયી થતા કારને નુકસાન થયું,સુરતના ઉમરપાડામાં આવેલા ગોંદલીયા તથા ઝરપણ ગામે વાવાઝોડા સાથેના વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી.સુરતના મહુવા, ઉમરપાડા, કાછલ, કરચલિયા, વલવાડા, વાંસકુઈ પંથકમાં ધોધમાર વરસાદ પડયો હતો. બારડોલીના પલસાણા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વ્યારા , વાપી , તાપી, વલસાડ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતા હજુ ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો નથી માત્ર વાદળો થઈ વિખાઈ જાય છે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ બેઠા છે.
છેલ્લાં 4 વર્ષમાં આ વર્ષે ચોમાસાની સૌથી ધીમી શરૂઆત હોવાનું સામે આવ્યું છે.