આજકાલના નેતાઓ વૈભવી જિંદગી જીવે છે અને કરોડોમાં આળોટે છે લાખ્ખોનો પગાર ખાય છે અને તેમાંય ચૂંટણીઓની મૌસમમાં પક્ષ પલટો કરેતો પણ લાખ્ખો કમાઈ લે છે, આવા આજના કરોડપતિ નેતાઓ માત્ર પૈસા બનાવવા રાજકારણમાં આવતા હોવાની લોકોમાં એક છાપ બની ગઈ છે જોકે,બધા એવા નથી આજેપણ ઘણા નેતાઓ જનતામાં પ્રમાણિક નેતાની છાપ ધરાવે છે પણ અગાઉ નેતા બનવું એટલે માત્ર ‘લોકસેવા કરવા ભેખ ધરવો’ તેવી વ્યાખ્યામાં આવતું હતું તેથી આગળના નેતાઓ ‘સેવા’ના રંગે રંગાયેલા જોવા મળતા હતા.
આજે આપણે એવા એક નેતાની વાત કરવી છે કે જેઓ ‘ધારાસભ્ય’જેવા મોભાદાર પદ ઉપર રહી ચૂક્યા છે, છતાં આજે ગરીબની જિંદગી જીવે છે તેઓ બીપીએલ કાર્ડ ધરાવે છે અને અત્યંત સાદગીથી જીવે છે તેઓની આર્થિક સ્થિતિ ઘણીજ ખરાબ છે.
જીહા, ગુજરાતના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ રાઠોડ આજે ગરીબીમાં જીવે છે તેઓએ પ્રમાણિકપણે નેતાગીરી કરી અને માત્ર લોકસેવાના કર્યો કર્યા પણ હરામનો એકપણ રૂપિયો ન લીધો.
સાબરકાંઠા જિલ્લાના નાનકડા ગામ ટેબડાના રહેવાસી જેઠાભાઇ રાઠોડે વર્ષ ૧૯૬૭માં ખેડબ્રહ્મા વિધાનસભામાં કોંગ્રેસ સામે અપક્ષ ઉમેદવાર તરીકે ૧૭ હજાર વોટથી જીત હાંસલ કરી હતી.
એ સમયે તેમણે સાઇકલ પર ચૂંટણી પ્રચાર કર્યો હતો.
જેઠાભાઇ રાઠોડ એ સમયે ધારાસભ્ય હોવાછતાં ખેડબ્રહ્માથી ગાંધીનગર સરકારી બસથી જ જતા હતા.
૫ વર્ષોમાં સ્થાનિક વિસ્તારો સહિત આખી વિધાનસભામાં સાઇકલથી મુસાફરી કરનારા આ ધારાસભ્ય જનતાના કામો કર્યા હતા.
જેઠાભાઇ રાઠોડના પાંચ પુત્ર અને તેમનો પરિવાર છે જે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આખો પરિવાર બીપીએલ રાશનકાર્ડના સહારે પોતાનું જીવન વ્યતીત કરવા મજબૂર છે. લોકોનું કહેવું છે કે, જે ધારાસભ્યએ પોતાની યુવાનીમાં જનતાના આંસુ લૂંછ્યા, આજે તેમના આંસુ લૂંછવાવાળું કોઈ નથી.
સ્વભાવે સેવાભાવી જેઠાભાઈએ પોતાના મત વિસ્તારમાં લોકો માટે ખૂબ કામ કરેલું તેઓએ રસ્તા અને તળાવોના ખૂબ કામો કરાવ્યા હતા.
એ જમાનામાં પોતે સાઇકલ પર ગામેગામ જતા અને લોકોને મળતા તેઓના પ્રશ્નો જાણતા અને બાદમાં ઉપર રજુઆત કરી કામો કરાવતા હતા. સચિવાલય જવું હોય તો બસમાં મુસાફરી કરતા હતા.
નેતા તરીકે લોકસેવામાં જિંદગી હોમી દેનાર જેઠાભાઈ હવે પાછલી ઉંમરમાં બીપીએલ લાભાર્થી તરીકે જીવવાનો વારો આવ્યો છે.
પાંચ વર્ષની ટર્મ દરમિયાન એમણે હરામનો એક રૂપિયો પણ ભેગો ન કર્યો. નીતિ અને સિદ્ધાંતો પર જ જીવ્યા. વારસામાં મળેલું ઝૂંપડી જેવું ઘર અને બીપીએલ કાર્ડ જ એમનો અંતિમ આધાર બની રહ્યા.
પાંચ દીકરા આજે પણ મજુરી કરે છે, ને બધા ભેગા મળીને દિવસો વિતાવે છે. ૮૦ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા ધારાસભ્યને પ્રમાણિક્તા પર જીવવાનો એમને સમાજે કેવો બદલો આપ્યો છે?
તે આ કિસ્સા ઉપરથી સમજી શકાય છે.
આજના નેતાઓ કરોડોમાં આળોટે છે અને પેન્શન પણ મેળવે છે પણ જેઠાભાઈને એક રૂપિયો પણ પેન્શન મળતું નથી.