વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી શૈશવ સ્કૂલનો વિવાદ વકર્યો છે અને સ્કૂલમાં બાળકોને થઈ રહેલા ટોર્ચર તેમજ હલકી ગુણવત્તા વાળા ભોજન વગરે મામલે ફરિયાદો ઉઠતા મામલો પોલીસ કમિશનર ઓફિસ સુધી પહોંચ્યો છે અને 19 વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલ ફી રિફંડની માંગણી કરી છે.
વાલીઓએ તેમના 19 બાળકોની ફી પરત માંગી લિવિંગ સર્ટી માંગ્યા છે. જેમાં નર્સરીના 16, ધોરણ 1, ધોરણ 2ના 1 અને ધોરણ 5ના 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
વડોદરાના ગોત્રી-સેવાસી રોડની શૈશવ સ્કૂલમાં નર્સરીમાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા નખોરિયાં ભરાય છે અને બીમાર પડે કે ઊલટી કરે તો વાલીઓને જાણ કરાતી ન હોવાના વાલીઓએ આક્ષેપો કર્યાં હતા.
આ અંગેની અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આપ્યા બાદ આજે વાલીઓને શી ટીમ દ્વારા પોલીસ કમિશનર ઓફિસ તેમની રજૂઆત સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હોવાની વાત વચ્ચે વાલીઓ ડીઇઓ નવનીત મહેતાને મળવા ગયા હતા. જ્યાં તેઓએ રજૂઆત કરતા તેમણે આ મામલે તપાસ કરવાની બાહેધારી આપી શૈશવ સ્કૂલમાંથી એલસી લીધા પછી નજીકની અન્ય સ્કૂલમાં એડમિશન મળે તે માટે તેઓ ભલામણ પણ કરનાર હોવાનું જણાવતા વાલીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે.