કેન્દ્ર સરકારે ટ્વિટરને 4 જુલાઈ સુધી અલ્ટીમેટમ આપી સરકારે અત્યાર સુધીમાં આપવામાં આવેલા તેના તમામ આદેશોનું પાલન કરવા કહ્યું છે. અને ચેતવણી આપી છેકે જો તે આમ નહીં કરે, તો તેણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
જો આવું થાય, તો કંપનીના પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી તમામ સામગ્રી માટે કંપની પોતે જ જવાબદાર ગણાશે.
ગેરકાયદે સામગ્રી પોસ્ટ કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉની નોટિસમાં પણ ટ્વિટરને દેશના IT નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.
IT એક્ટની કલમ 69A હેઠળ ઘણી અયોગ્ય સામગ્રીને દૂર કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી, જે દૂર કરી ન હતી.
ટ્વિટરના મુખ્ય અનુપાલન અધિકારીને આપવામાં આવેલી નોટિસમાં મંત્રાલયે કડક શબ્દોમાં કહ્યું કે, “ટ્વિટરને ઘણી તકો આપવામાં આવી છે, પરંતુ તે સૂચનાઓનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે છે.” આ છેલ્લી સૂચના છે. આ પછી પણ જો સૂચનાઓનું ઉલ્લંઘન ચાલુ રહેશે તો તેને આઈટી એક્ટ હેઠળ ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમને 6ઠ્ઠી અને 9મી જૂને નોટિસ પણ મોકલવામાં આવી હતી, પરંતુ તેમણે તેનું પાલન કર્યું ન હતું.