તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય અને અચાનક તમને ચા પીવાની ઈચ્છા થઈ આવી અને તમે ટ્રેનમાં હાજર વિક્રેતા પાસેથી ચાનો કપ માંગ્યો અને તેની ચુસ્કીઓ પણ લીધી, પરંતુ તેના બદલામાં તમારે 70 રૂપિયા ચૂકવવા પડે ત્યારે તમને કેવું લાગે ? હા આ વાત સાચી છે અને ભોપાલ શતાબ્દી એક્સપ્રેસમાં આ મામલો સામે આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક કપ ચા માટે એક વ્યક્તિ પાસેથી 70 રૂપિયા લેવામાં આવ્યા હતા. સાથે જ તેને તેની રસીદ પણ આપવામાં આવી હતી. હવે આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ ગત તા. 28 જૂનના રોજ એક વ્યક્તિ ભોપાલ શતાબ્દીમાં દિલ્હીથી ભોપાલ જઈ રહ્યો હતો. તે દરમ્યાન તેને ચા પીવાની ઈચ્છા થતા તેણે ટ્રેનમાં ચા વેંચતા ફેરયા પાસેથી ચા ખરીદી જેના માટે તેની પાસેથી રૂ.70 લેવામાં આવ્યા. આ માટે તેને એક બિલ પણ આપવામાં આવ્યું હતું, જેમાં ચાની કિંમત 20 રૂપિયા અને બાકીના 50 રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે જણાવવામાં આવી હતી. પ્રવાસીએ આ રસીદનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેના પછી યુઝર્સે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું.
એક યુઝરે લખ્યું, ’20 રૂપિયાની ચા પર 50 રૂપિયા સર્વિસ ચાર્જ ? જેના કારણે ચાની કિંમત 70 રૂપિયા થઈ જાય છે. શું લૂંટવાનો આ શ્રેષ્ઠ માર્ગ નથી?’ તે જ સમયે અન્ય એક યુઝરે કહ્યું કે ભાઈ રેલ્વે શું કરી રહી છે? અન્ય લોકોએ કહ્યું કે ચાના કપ પર 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ ઘણો વધારે છે.
આ મામલે રેલવેએ સ્પષ્ટતા કરી હતી કે ગ્રાહક પાસેથી કોઈ વધારાના પૈસા લેવામાં આવ્યા નથી.
2018ના ભારતીય રેલ્વેના પરિપત્રનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જો કોઈ મુસાફર શતાબ્દી-રાજધાની જેવી ટ્રેનોમાં રિઝર્વેશન કરતી વખતે ભોજન બુક ન કરાવે અને મુસાફરી દરમિયાન ચા, કોફી કે ભોજન વગેરેનો ઓર્ડર આપે તો તેણે નિયમ મુજબ 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ ચુકવવો પડે છે.
હવે જો ઓર્ડર એક કપ ચાનો હોય તો પણ પેસેન્જરે સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. જણાવી દઈએ કે અગાઉ રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં ફૂડ સર્વિસ ફરજિયાત હતી, પરંતુ બાદમાં તેને વૈકલ્પિક કરી દેવામાં આવી હતી. જો મુસાફર ઈચ્છે તો ટિકિટ બુક કરાવતી વખતે ટ્રેનમાં ભોજન અને નાસ્તો લેવાની ના પાડી શકે છે. આવી સ્થિતિમાં તેણે માત્ર ટિકિટ ચાર્જ ચૂકવવો પડશે પણ જો પછી ઓર્ડર કરેતો 50 રૂપિયા સર્વિસ ચાર્જ ચુકવવો પડે છે એટલે કે ચાની કિંમત 20 રૂપિયા હોય તો પણ 50 રૂપિયા સર્વિસ ચાર્જ થાય છે.
લોકો આ જોઈ ભડકી ઉઠ્યા હતા કે આ કેવું કહેવાય