દેશમાં ચોમાસામાં વિલંબ થતા અત્યારેતો વાવણી થઈ જવી જોઈએ તેના બદલે મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ નથી પરિણામે તેની બજાર ઉપર અસર વર્તાઇ છે અને ફરી એકવાર દાળના ભાવ વધવા લાગ્યા છે. આ વધારાનું કારણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કઠોળ ઉગાડતા વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં વિલંબ હોવાનું માનવામાં આવે છે. દેશના મુખ્ય જથ્થાબંધ બજારોમાં છેલ્લા સપ્તાહથી આ વધારો જોવા મળી રહ્યો છે.
તુવેર સહિતની દાળમાં પાંચ ટકા અને અડદમાં લગભગ 3-4 ટકાનો વધારો થયો છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના આંકડા અનુસાર, 28 જૂન સુધી સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય કરતા 10 ટકા ઓછો રહ્યો છે. આમાં પણ મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના કઠોળ ઉગાડતા વિસ્તારોમાં કુલ વરસાદ સામાન્ય કરતાં 31 ટકા ઓછો રહ્યો છે. સોમવાર સુધીના આંકડા મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં પહોંચી ગયું છે અને ત્યાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે.
રિપોર્ટમાં ડેટા દર્શાવે છે કે ગત 24 જૂન સુધીમાં દેશભરમાં કઠોળનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 36 ટકા ઓછું છે. બીજી તરફ, તુવેરનો વાવેતર વિસ્તાર ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં લગભગ 55 ટકા ઓછો છે. બીજી તરફ અડદનો વાવેતર વિસ્તાર 52 ટકા ઓછો છે. મધ્યપ્રદેશ સાથે સંકળાયેલા ઓલ ઈન્ડિયા દાળ મિલ એસોસિએશનના વેપારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ચોમાસાની શરૂઆત સાથે જૂન મહિનામાં તુવેર અને અડદનું મોટાપાયે વાવેતર થાય છે. પરંતુ આ વખતે વાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. અગાઉ ચોમાસું 10 જૂને આવવાની ધારણા હતી. આ પછી, તે 15 જૂને આવવાની ધારણા હતી. હવે 28મી જૂન પણ પસાર થઈ ગઈ છે અને વરસાદમાં કોઈ વધારો થયો નથી. જેના કારણે દાળના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
આમ,વરસાદ ખેંચાતા હવે કઠોળ ના ભાવો વધી રહયા છે.