અમદાવાદમાં 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યામાં નીકળ્યા છે સેંકડો ભક્તો જોડાયા છે. ત્યારે ભક્તોની ઘોડાપૂરમાં જય રણછોડ માખણચોરના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે નાથની નગરચર્યામાં ગજરાજો, સુશોભિત ટ્રક અને ભક્તો સાથેની નગરચર્યા સહિત પોલીસ બંદોબસ્ત વગરે CM પટેલે સતત નિરીક્ષણ કર્યું હતું.
જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યાબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોચીને મુખ્યમંત્રીએ સી.એમ. ડેશબોર્ડની વિડિયો વોલ પર આ રથયાત્રાનું થઇ રહેલું રિયલ ટાઇમ મોનિટરિંગ નિહાળ્યું અને તેઓએ સતત વોચ રાખી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ, ભાવિક ભક્તોની પદયાત્રા તથા યાત્રા રૂટ પર પોલીસ પેટ્રોલિંગ, બંદોબસ્તની ગતિવિધિઓ ઝીણવટપૂર્વક નિહાળી હતી.
આતંકવાદી હુમલાની ધમકી વચ્ચે રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા 65 મીટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર નજર રાખવાની ગતિવિધિ નું મુખ્યમંત્રીએ જાત નિરીક્ષણ કર્યું હતું.
હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની તેમણે સરાહના કરી હતી. ગુજરાત પોલીસના જે જવાનો કર્મચારીઓ અમદાવાદની આ રથયાત્રામાં સંવેદનશીલ સ્થળો, પોઇન્ટ પર તહેનાત છે તેમને પણ પહેલીવાર 2500 જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવેલા છે તેની ગતિવિધિઓ પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી.