બનાસકાંઠા જિલ્લામાં પણ મધરાતે તોફાની વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયા હતા, જેમાં દિયોદરમાં 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડયો હતો, જ્યારે ડીસામાં 5 ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. ડીસામાં ધોધમાર વરસાદ થતાં સર્વત્ર જળબંબાકાર થઈ જતા 50થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેમજ દુકાનોમાં 5થી 6 ફૂટ સુધી પાણી ભરાયાં હતાં, જેથી દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
જિલ્લામાં દિયોદરમાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે અમીરગઢ અને ડીસામાં પણ 5- 5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાલનપુર, ડીસા, અમીરગઢ અને દિયોદરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં, જેથી વાહનચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં રાત્રે સતત 4થી 5 કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી નજરે પડતુ હતું.