રાજસ્થાનના ઉદેપુરમાં દરજી યુવકની ગળું કાપી તાલિબાની અંદાજમાં હત્યા થતા અને સોશ્યલ મીડિયામાં નુપર શર્માનું સમર્થન કરનાર લોકોને પણ ધમકીઓ મળવાનું શરૂ થતા હવે બે કોમ વચ્ચે અંતર વધવા માંડ્યું છે તેવે સમયે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મુસલમાન ફેરિયાઓ પાસેથી કોઈ વસ્તુ નહિ ખરીદવા ગ્રામ પંચાયતે નોટિસ બહાર પાડી છે અને જો કોઈ મુસલમાન પાસેથી વસ્તુ ખરીદે તો આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા થરાદ તાલુકાની વાઘાસણ ગ્રામ પંચાયત દ્વારા મુસ્લિમ સમાજના ફેરિયાઓ અને વેપારીઓનો આર્થિક બહિષ્કાર કરવા માટેની નોટિસ બહાર પાડવામાં આવી છે.
સાથે જ જો કોઈ મુસ્લિમ સમાજના ફેરિયા કે વેપારી પાસેથી કોઈ વસ્તુની ખરીદી કરશે તો તેના પાસેથી 5,100 રૂપિયા નો દંડ વસૂલીને તે રકમ ગૌશાળામાં આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતના લેટરપેડ પર ગામના સરપંચ મફીબેન વીરાભાઈ પટેલના હસ્તાક્ષરવાળી આ નોટિસ પર અન્ય 7 લોકોના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આમ,આ ગામના મુસ્લિમ ફેરિયાઓ નો સામુહિક બહિષ્કાર કરાતા ચકચાર મચી છે.