વડોદરા માં પાદરા ભાજપના ઉપપ્રમુખ અપૂર્વ પટેલે મેપલ વિલા, મેપલ મેડોઝ અને મેપલ સિગ્નેચરમાં લોકો સાથે છેતરપિંડી કર્યા બાદ મામલો હાલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે ત્યારે હવે ભાજપના પૂર્વ હોદ્દેદાર બિલ્ડર દર્પણ શાહ સામે પણ બે ડુપ્લેક્સ વેચી દસ્તાવેજો નહિ આપતા હોવા ઉપરાંત ધમકી આપતા હોવાની ફરિયાદ થતા ભાજપનું નામ વડોદરામાં ખરાબ થઇ રહ્યું છે.
વિગતો મુજબ ડભોઈ-વાઘોડિયા રોડ પર સુખધામ રેસિડન્સી સ્કીમમાં બે ભાઈઓએ રૂા.1.01 કરોડમાં બે ડુપ્લેક્સ બુક કર્યા બાદ ક્રિશ રિઅલ્ટીના ભાગીદાર અને ભાજપના પૂર્વે હોદ્દેદાર દર્પણ શાહ અને તેમના બનેવી હિરેન બક્ષીએ દસ્તાવેજ, બાનાખત તેમજ કોર્પોરેશનનું પાણીનું કનેક્શન ન આપી છેતરપિંડી કરતાં પેઢીના 7 વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે.
ડભોઈ-વાઘોડિયા રોડ પર સુખધામ રેસિડન્સીમાં રહેતા મનીષકુમાર નવીનચંદ્ર શાહ (48)એ આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, 2015માં ક્રિશ રિઅલ્ટીના ભાગીદાર, સંચાલક અને ભાજપના પૂર્વ હોદ્દેદાર દર્પણ શાહે સુખધામ રેસિડેન્સી સ્કીમ મૂકી હતી. જેમાં મનીષ શાહ અને તેમના ભાઈ કેતન શાહે ડિસ્કાઉન્ટ સાથે બે ડુપ્લેક્સ રૂા.1.01 કરોડમાં બુક કર્યા હતા.
દર્પણ શાહે કોઈ મેમ્બરની પરવાનગી કે મંજૂરી વગર સાઈટનો પ્લાન બદલી 67 ડુપ્લેક્સની નવી સાઈટ બનાવી હતી. ત્યારબાદ બંને ભાઈઓને બુક કરાયેલા ડુપ્લેક્સની જગ્યા મુજબ પ્લોટ ન મળતાં તેમણે ફરીથી બુકિંગ કરાવ્યું હતું. બંને ભાઈઓએ પોતાના ડુપ્લેક્સ નંબર 64 અને 65ની કુલ કિંમત 1.10 કરોડ, જેમાં રોકડા રૂા.50.76 લાખ અને રૂા.59.24 લાખ ચેક અને આરટીજીએસ દ્વારા ચૂકવ્યા હતા.જોકે બંને ડુપ્લેક્સના દસ્તાવેજ કરી આપ્યા ન હતા. એલિવેશન તેમજ કોર્પોરેશનના પાણીનું કનેક્શન પણ આપ્યું ન હતું.
ફરિયાદીનો આક્ષેપ છે કે, તેમને કાર્તિક પંચાલ દ્વારા નોટિસ મળી હતી, જેમાં તેઓ ગેરકાયદે રહેતા હોવાનું જણાવ્યું હતું. જે બાબતે દર્પણ શાહે જણાવ્યું હતું કે, તેમને કોઈ મકાન ખાલી કરાવશે નહીં તેની જવાબદારી મારી રહેશે. ત્યારબાદ ફરિયાદી દર્પણ શાહની ઓફિસે જઈને દસ્તાવેજ કરવા રજૂઆત કરતા બિલ્ડર ધાકધમકી આપતો હોવાનો પણ આક્ષેપ છે. બિલ્ડર દ્વારા થાય તે કરી લેવા અને દસ્તાવેજ તેની મરજીથી કરી આપવા જણાવ્યું હતું. જેથી ફરિયાદી મનીષકુમાર શાહ દ્વારા ક્રિશ રિઅલ્ટી પેઢીના દર્પણ શાહ સહિત કુલ 7 સામે ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ પાદરા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અપૂર્વ પટેલ અને તેની પત્ની દ્વારા મેપલ વિલા અને મેપલ મેડોઝ બાદ હવે મેપલ સિગ્નેચરમાં લોકોને ફ્લેટના નામે છેતર્યા હોવાઅંગે પોલીસ ફરિયાદ થઈ છે.
આમ,વડોદરામાં ભાજપના આગેવાનો કન્ટ્રક્શન લાઈનમાં આવી લોકોનું કરી નાખતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા છેતરાયેલાં લોકો હવે ધીરેધીરે પોલીસનું શરણું લઈ રહયા છે.