સુરતમાં સસ્પેન્ડ થઇ ગયા હોવાછતાં પોલીસકર્મીએ રોડ ઉપર પોલીસનું પાટિયું મારેલી કાર ઉભી કરી દઈ ઉઘરાણુ ચાલુ રાખ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
સસ્પેન્ડ થઈ ગયેલા પોલીસકર્મી પ્રકાશ પાટીલે વેપારીને રસ્તામાં અટકાવી કાર ડિટેઇન કરી લેવાની ધમકી આપી 9 હજાર રૂપિયા પડાવતા વેપારીએ પુણા પોલીસમાં ખંડણીનો ગુનો નોંધાવ્યો હતો.
સસ્પેન્ડ થયેલા પોલીસકર્મી પ્રકાશ પાટીલની સામે વધુ એક ખંડણીનો ગુનો પુણા પોલીસમાં દાખલ થયો છે. સામાન લઈને જતા વેપારીને રસ્તામાં અટકાવી પોલીસકર્મીએ કાર ડિટેઇન કરી લેવાની ધમકી આપી 9 હજાર પડાવતા પૂણા પોલીસે સીસીટીવી કેમેરા આધારે કારનો નંબર મેળવી ગણતરીના કલાકોમાં જ તોડબાજ હેડ.કોન્સ્ટેબ્લ.પ્રકાશ રોહિતદાસ પાટીલ(35)(રહે,હીરાનગર સોસા,પર્વતપાટિયા)ને પકડી પાડી કાર કબજે કરી હતી.
વિગતો મુજબ પાસોદરા ક્રિષ્ના રો હાઉસમાં રહેતા અને લસકાણા ખાતે મરી મસાલાનો વેપાર કરતા 43 વર્ષીય રાજેશભાઈ બાવચંદ જાસોલીયા 17મી જુને દુકાન બંધ કરી પત્ની સાથે કારમાં નીકળ્યા હતા. રસ્તામાંથી તેઓએ દવા અને ઘરવખરીનો સામાન લઈ કારમાં મુક્યો હતો.
આ દરમિયાન પુણા કેનાલ રોડ રંગઅવધૂત ચાર રસ્તા પાસે કાર લઈ ઉભેલા પોલીસકર્મીએ ઈશારો કરી વેપારીને સાઈડમાં કાર લેવા જણાવી હું પોલીસવાળો છું, ચાલ ફટાફટ મારી સાથે ગાડીમાં બેસી જા, વેપારીએ તેની પાસે આઈ કાર્ડ માંગતા તેણે કહ્યું કે મારી ગાડીમાં પોલીસનું બોર્ડ દેખાતું નથી ?
તને આટલો સામાન ભરવાની પરમીશન કોણે આપી, ચાલ પોલીસ સ્ટેશને તારી ગાડી જમા કરીશું, આથી વેપારી ગભરાયો અને ખિસ્સામાંથી 9 હજારની રકમ પ્રકાશ પાટીલે કાઢી લીધી હતી. વેપારીની પત્ની બિમાર હતી અને પુત્ર અમદાવાદ હોય વેપારીએ ફરિયાદ આપી ન હતી. પુત્ર આવ્યા બાદ વેપારીએ પુણા પોલીસમાં ફરિયાદ આપી હતી.
આ હેડ.કોન્સ્ટેબ્લ.પ્રકાશ રોહિતદાસ પાટીલ સામે અગાઉ પણ તોડ મામલે ફરિયાદો થઇ ચુકી છે જેમાં દિલ્હી ગેટ બેલ્જિયમ સ્કેવરની સામે રોડ પરથી હર્ષલ સોની 30મી એપ્રિલે સાંજે કારમાં પ્રિન્ટર અને સ્કેનર લઈ પસાર થતો હતો તે વખતે તોડબાજ પ્રકાશ પાટીલે તેની ઈકો કાર અટકાવી ડિટેઇન કરી લેવાની ધમકી આપી 2500ની રકમ ઓનલાઇન ટ્રાન્ઝેેકશનથી પડાવી હતી. જેમાં મહિધરપુરા પોલીસે 9મી મે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આ પહેલા વર્ષ 2021માં પુણા વિસ્તારમાં આવી જ રીતે ખંડણી માંગી હતી. ખંડણીના બે ગુના અગાઉ તેના વિરુધ્ધ દાખલ થયા ત્યાર પછી પણ તે સુધારતો નહીં હોવાનું સામે આવી રહ્યું છે અને ફરી એક વખત તોડ કરવા જતાં ભેરવાઇ પડ્યો છે.