સોશિયલ મીડિયા પર દ્વેષપૂર્ણ ભાષણ ફેલાવનારા અને વાંધાજનક સામગ્રી પોસ્ટ કરનારાઓને નફરત, હિંસા ફેલાવનારાઓને ભવિષ્યમાં સખત સજા ભોગવવી પડશે. આવા કૃત્યોને રોકવા માટે, સરકાર નફરતી ભાષણ વિરોધી કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આ કાયદા દ્વારા હિંસા-દ્વેષ ફેલાવતા ભાષણ-સામગ્રીની વ્યાખ્યા નક્કી કરવામાં આવશે.
આ માટે મુસદ્દો તૈયાર કર્યા બાદ તેના પર લોકોનો અભિપ્રાય લેવામાં આવશે. જો અભિપ્રાય દરમિયાન નવા તથ્યો સામે આવશે તો તેને કાયદામાં સામેલ કરવામાં આવશે. નોંધનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ સરકારને સોશિયલ મીડિયા દ્વારા નફરત ફેલાવવાના વધી રહેલા મામલાઓની નોંધ લેવા કહ્યું હતું.
કાયદો શા માટે જરૂરી છે?
સમગ્ર વિશ્વમાં હિંસા અને નફરત ફેલાવવા માટે સોશિયલ મીડિયા સૌથી મોટું માધ્યમ બની રહ્યું છે. સોશિયલ મીડિયા કંપની મેટાએ રવિવારે મે મહિનાનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ મહિનાની સરખામણીમાં આ વર્ષે મે મહિનામાં ફેસબુક પર ભડકાઉ સામગ્રીમાં 38 ટકા અને ઈન્સ્ટાગ્રામ પર 86 ટકાનો વધારો થયો છે.