સુરતના ખજોદ ગામમાં ડાયમંડ બુર્સનો મહાકાય પ્રોજેક્ટ સાકાર થતાજ ગામમાં મુસીબતો પણ વધી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
4200 ઓફિસ ધરાવતા ડાયમંડ બુર્સમાં રાજ્ય બહારના હીરા એકમોની પણ ઓફિસ શરૂ થશે અને કરોડોનો વેપાર પણ થશે પણ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આ પ્રોજેક્ટ બન્યો છે તે ગામાના ઘણા લોકોએ રોજીરોટી ગુમાવવી પડી છે. પશુ પાલકો અને ખેડૂતોએ બીજી આજીવિકા શોધવાનો વારો આવ્યો છે.
હવે થોડોજ વરસાદ પડતાં વરસાદી પાણી ગામમાં ભરાવા લાગ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અગાઉ એક સમય એવો હતો કે અહીં પૂરના પાણી પણ ગામમાં આવતા ન હતા પણ હવે તોતિંગ ડાયમંડ બુર્સ બનાવવા રોડ ઉચા કરી દેવાતાં થોડા વરસાદમાં પણ ગામમાં પાણી ઘૂસી જાય છે.
બુર્સ બનાવતા પહેલા 2018માં કલેકટરની અધ્યક્ષતામાં રાખેલી સુનાવણી વખતે ગામમાં સુવિધા પુરી પાડવા સહિત ગામમાં હેલ્થ સેન્ટર, લાઇબ્રેરી, કમ્યુનિટી હોલ, આંગણવાડી, પાર્ટી પ્લોટ, રસ્તાઓ, પેવર બ્લોક, ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજની સુવિધા આપવા જણાવ્યું હતું પરંતુ એ હજુસુધી માત્ર કાગળ પર જ હોવાનું ગામલોકો જણાવી રહયા છે.
ખેડૂતોની જમીન બુર્સ પાસે આવેલી આશરે 500 વિંઘા જમીન બુર્સના કારણે ત્યાં જવાના રસ્તા બંધ થઇ ગયા છે.
પહેલા અહીં આભવા, સરસાણા, બુડીયા, જીઆવ સહિતના પશુપાલકો ચારા માટે આવતાહતા.
હવે જગ્યા નહીં રહેતા લોકોએ પશુ વેચી દીધા છે.
આમ,ખેડૂતો અને પશુપાલન ઉપર વ્યાપક અસર પડી છે અને આગામી દિવસો માં જો બુર્સ માં સ્થાનિકોને નોકરીઓ નહિ મળે તો આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.