ભારતની અસ્સલ સંસ્કૃતિ ભુલાઈ ગઈ છે અને સ્વતંત્રતા બાદ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પશ્ચિમી પ્રભાવ વધતા આપણી સંસ્કૃતિ હવે ખતમ થવાના આરે છે ત્યારે તેને બચાવવા આઝાદી બાદ પ્રથમવાર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આપણા પ્રાચીન વેદો,મહત્ત્વપૂર્ણ પરંપરાઓ અને ગ્રંથો જેમ કે વેદ, રામાયણ, મહાભારત અને અન્યોને સંસ્થાનવાદી વહીવટકર્તાઓ દ્વારા દંતકથાઓ અથવા પૌરાણિક કથાઓ તરીકે દર્શાવી ઐતિહાસિક મહત્ત્વને રદ કરવામાં આવ્યા હતા તેને ફરી આજની પેઢીને વાકેફ કરવા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો અભ્યાસ કરાવાશે. યુનિવર્સિટીની સિન્ડિકેટ દ્વારા બી.એ. અને એમ.એ. હિન્દુ સ્ટડીઝના અભ્યાસક્રમને મંજૂરી આપી છે.
ત્રણ વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ હિન્દુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન આપશે અને વર્તમાન સંદર્ભમાં હિન્દુ મૂલ્યોની સ્થિતિને સ્પષ્ટ કરશે. નવા સત્રથી કોર્સ ભણાવાશે.
છેલ્લાં 200 વર્ષથી ભારતના ઇતિહાસ અને જ્ઞાન પ્રણાલી પર પશ્ચિમના વર્ચસ્વના કારણે હિન્દુ ફિલસૂફીના સાચા સ્વરૂપનું પક્ષપાતી અને અપૂર્ણ નિરુપણ કર્યું છે અને વેદ, રામાયણ, મહાભારત અને અન્યોને સંસ્થાનવાદી વહીવટકર્તાઓ દ્વારા દંતકથાઓ અથવા પૌરાણિક કથાઓ તરીકે દર્શાવી ઐતિહાસિક મહત્ત્વને રદ કરવામાં આવ્યા હતા.
નવી શિક્ષણ નીતિના આ ધ્યેય મુજબ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ હિન્દુ સ્ટડીઝનો સમગ્ર ભારતમાં પ્રથમ સ્નાતક કોર્સ શરૂ કર્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થી વ્યક્તિ, કુટુંબ, સંબંધો, સમાજ, રાજ્ય, પર્યાવરણ અને સમગ્ર બ્રહ્માંડની હિન્દુ વિભાવનાઓને સમજવામાં મદદ કરશે. આ કાર્યક્રમ વિવિધ આંતરશાખાકીય વિષયો પ્રદાન કરે છે જેમ કે ઇતિહાસ, અર્થશાસ્ત્ર, કાયદો, સમાજ, સંસ્કૃતિ, રાજકારણ, શિક્ષણ, કળા, નીતિશાસ્ત્ર, સાહિત્ય, નાટક, ભાષાશાસ્ત્ર, આયુર્વેદ અને યોગશાસ્ત્રનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.બે વર્ષના માસ્ટર્સના અભ્યાસક્રમનો હેતુ હિન્દુ ધર્મ અને તેની આધ્યાત્મિક પરંપરાઓ પરના જ્ઞાનના સ્રોત પૂલને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ થશે. માસ્ટર પ્રોગ્રામ ઝડપથી બદલાતી તકનીકી અને વૈશ્વિક માહિતી સમાજમાં હિન્દુ અભ્યાસના મહત્ત્વને દર્શાવવા માટે તૈયાર કરાયો છે.
કોર્સની ડિઝાઇન ભગવદ ગીતા, રામાયણ, આયુર્વેદનો પરિચય કરાવશે.
આમ આપણી ભુલાયેલી સંસ્કૃતિનું જતન કરવા ફરી પ્રયાસ થતા નવી પેઢી વધુ જાગૃત થશે.