રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે કચ્છમાં રેડ એલર્ટ અપાયું છે ડાંગમાં સવારે સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે અને હાલમાં 50 તાલુકાઓમાં વરસાદ પડવાનું ચાલુ છે ક્યાંક વાવણી થઈ ચૂકી છે તો અનેક વિસ્તારમાં હજુપણ વાવણી થઈ નથી.
રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે રવિવારે સવારે રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદના અહેવાલ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 12મી તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ડાંગમાં આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.
આજે સવારની વાત કરીએ તો 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વઘઈ, દેડિયાપાડા, આહવા, ડોલવણ, સાગબારા, વાંસદા અને મુંદ્રામાં દોઢ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
આમ,આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.