મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ આંતરકલહનો આજે અંત આવવાની આશા છે. વાસ્તવમાં શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
શિંદે જૂથ વતી અરજી દાખલ કરવામાં આવી હતી અને 16 ધારાસભ્યોને મળેલી નોટિસને અમાન્ય જાહેર કરવામાં આવી હતી. આ કેસમાં ઉદ્ધવ જૂથે પણ સુપ્રીમ કોર્ટમાં પોતાની તરફેણમાં દલીલો રજૂ કરી હતી. આ પછી કોર્ટે આ મામલાને સોમવાર માટે લિસ્ટ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ શિંદેનું ભવિષ્ય પણ નક્કી થશે.
સૌથી મોટી વાત એ છે કે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ એ 16 ધારાસભ્યોમાં સામેલ છે જેમને ઉદ્ધવ જૂથ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
આવી સ્થિતિમાં જો સુપ્રીમ કોર્ટ શિંદે જૂથ વિરૂદ્ધ ચુકાદો સંભળાવે છે તો મહારાષ્ટ્રમાં ફરી એક વાર રાજકીય બદલાવ આવી શકે છે.
આ સિવાય શિવસેનાની અન્ય એક અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. હકીકતમાં, ઉદ્ધવ જૂથે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિર્ણયને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના હેઠળ તેમણે એકનાથ શિંદેને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ઠાકરે જૂથે 3 અને 4 જુલાઈના રોજ યોજાયેલી વિધાનસભાની કાર્યવાહીની માન્યતાને પણ પડકારી છે જેમાં ગૃહમાં નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવી હતી. કોર્ટે આ અરજીને પણ આજની તારીખ માટે લિસ્ટ કરી છે.