વલસાડમાં પૂરગ્રસ્ત સ્થિતિ ઉભી થઈ ચૂકી છે,ઠેરઠેર જળબંબાકાર જોવા મળી રહ્યો છે નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ બન્યા છે લોકોનું રેસ્કયુ ચાલુ છે,વલસાડમાં છીપવાડ જકાત નાકા પાસે આવેલ હાઇવે પાર્ક એપાર્ટમેન્ટ ના બેઝમેન્ટ માં પાણી ભરાઈ જતા અહીં આવેલ સત્યડે અખબાર નો પ્રિંન્ટિંગ પ્રેસ ડૂબી ગયો છે પરિણામે અખબાર છાપવાની સામગ્રી રોલ વગરે ડૂબી જતાં લાખ્ખોનું નુકશાન થયું છે અખબારનું આજનું ‘વધારો’ બહાર પાડવાનું પ્રકાશન અટક્યું હતું.
આ સિવાય અન્ય રહેણાંક અને ધંધાના સ્થળોએ પાણી ભરાઇ જતા વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં ફસાયેલા 2000 જેટલા લોકોનું રેસ્કયુ ચાલુ છે, તો ભાગડાખુદમાં 3000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા છે. આ ઉપરાંત શહેરના બરુડિયાવાડ વિસ્તારમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરાઇ રહ્યું છે. આ ઉપરાંત વલસાડના હિંગરાજ ગામે હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.
વલસાડ શહેરના શહીદ ચોક ખાતેથી NDRFની ટીમે ચાર બાળક, ચાર મહિલા અને બે પુરુષો મળી કુલ 10 લોકોનું રેસ્ક્યૂ કરવામાં કરવામાં આવ્યું છે. જિલ્લામાં હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ હોય લઇને પરિસ્થિતિ વણસી રહી છે.
મધુબન ડેમના ચેસમેન્ટ વિસ્તારમાં પડી રહેલા મુશળધાર વરસાદને લીધે ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલાયા છે. ડેમમાં મધુબન ડેમમાં 1 લાખ 71 હજાર 196 ક્યુસેક પાણીની આવક થઇ છે, જેમાંથી 1 લાખ 41 હજાર 171 ક્યુસેક પાણી દર કલાકે દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. સેલવાસ અને દમણના કલેક્ટર સાથે વલસાડ જિલ્લા કલેક્ટરે વર્ચ્યુઅલ બેઠક કરી ડેમમાંથી છોડવામાં આવતા પાણી વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધુબન ડેમમાંથી પાણી છોડાતાં દમણગંગા નદીના પાણી સેલવાસ, વાપી અને દમણથી દરિયામાં ભળી રહ્યા છે. ભારે વરસાદને કારણે સેલવાસનો બિલાડ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
આમ વલસાડ શહેર અને જિલ્લામાં પુર સ્થિતિ ઉભી થતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે લોકોને સલામત સ્થળે ખસેડવા ઉપરાંત તેઓ માટે ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવા સેવાભાવી લોકો અને તંત્ર કામે લાગ્યું છે