રાજ્યમાં બે દિવસ પડેલા અનરાધાર વરસાદ બાદ હજુપણ ભારે વરસાદની આગાહી થઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 13થી 17 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયુ છે અને
અત્યાર સુધી 28 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે.
અનેક રસ્તા તૂટી ગયા છે અને પાણી ભરાવાના કારણે 15 સ્ટેટ હાઈવે ઉપર વાહનવ્યવહારને અસર થઈ છે અને વૃક્ષો તેમજ વીજપોલ તૂટી પડતા 105 ગામોમાં અંધારપટ છવાયો છે.
ટ્રેન અને બસના કેટલાક રૂટ કેન્સલ થતા મુસાફરો રઝળી પડ્યાના અહેવાલો છે તેમજ પાણીમાં ગરક થતા અનેક વાહનોને ભારે નુકસાન થયું છે.
રાજ્યમાં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા દુકાનોમાં રહેલો સામાન પલળી જતા લાખ્ખોના નુકસાનની વિગતો સામે આવી છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 69 લોકોના મોત થયા છે.
રાજ્યના આઠ જિલ્લાઓ પૈકી ત્રણ જિલ્લાઓ ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા રેડ એલર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે. જ્યારે હજુ પણ પાંચ જિલ્લાઓ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ રેડ એલર્ટ પર છે.
આમ,હજુપણ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ છે.