ખાદ્યતેલોમાં ત્રણ ઘણો ભાવ વધારો ઝીંકાયા બાદ હવે 15 રૂપિયા કે 10 રૂપિયા ઘટાડાની વાતો વિભાગ કરી રહ્યું છે પણ તેલના ભાવો સામાન્ય જનતાને પરવડે તેવા રહ્યા નથી અને કેટલીય જગ્યાએ ભાવોમાં ઘટાડો જણાતો નથી.
તેલ માફિયાઓની નફાખોરી કારણભૂત હોવાનું જણાવતા બજારના સૂત્રોનું કહેવુ છે કે, પામતેલની આડમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ વધારો ઝીંકી દેવાયો છે અને પછી ભાવ ઘટાડવામાં આવતા નથી, હકીકતમાં આ બંને તેલને આયાત-નિકાસ સાથે ખાસ કંઈ લેવા-દેવા હોતી નથી.
જીવન જરૂરિયાતની એક પછી એક ચીજવસ્તુઓના ભાવમાં કમ્મરતોડ વધારો થઈ રહ્યો છે.
આ સ્થિતિ વચ્ચે હવે ખાદ્યતેલના ભાવ ઘટતા નથી. ગુજરાતમાં ખાદ્યતેલોમાં સૌથી વધુ વપરાશ સનફ્લાવર અને સીંગતેલ, કપાસિયા તેલનો થાય છે. જ્યારે પામતેલ અને મકાઈના તેલનો ખાવામાં ઉપયોગ ઓછો થાય છે.
તેલ માફિયાઓને જાણે જનતાને લૂંટવા માટે ખૂલ્લો પરવાનો મળી ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે.
લોકોમાં ઉહાપોહ થશે અને તીવ્ર વિરોધ ઉઠશે ત્યારે આયાત-નિકાસનું તિકડમ ગોઠવીને સરકારે પગલા લીધા હોવાનો દેખાડો કરી મામલો શાંત કરી દેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ ખાદ્ય તેલ કંપનીઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં પામ ઓઈલ સહિત અન્ય ખાદ્યતેલોના ભાવમાં મોટો ઘટાડો થયો છે. તેનો લાભ ગ્રાહકોને પણ મળવો જોઈએ. તેથી તમારે ખાદ્ય તેલના છૂટક ભાવમાં પણ ટૂંક સમયમાં ઘટાડો કરવો જોઈએ.
પાંડેએ કંપનીઓને પણ સૂચના આપી હતી કે ખાદ્યતેલની કિંમત સમગ્ર દેશમાં એકસમાન હોવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે GSTના દર સમાન હોય છે, તો ઉત્પાદનોની MRP પણ સમાન હોવી જોઈએ. ભારત તેના 60 ટકા ખાદ્ય તેલની આયાત કરે છે, તેથી વૈશ્વિક બજારમાં કિંમતોમાં વધારાને કારણે સ્થાનિક બજાર પર પણ દબાણ હતું.
ખાદ્ય સચિવે કહ્યું કે અમે કંપનીઓને સ્પષ્ટપણે કહી દીધું છે કે એક સપ્તાહની અંદર વૈશ્વિક બજારમાં તેલની કિંમતમાં 10 ટકાનો ઘટાડો થયો છે. તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચવો જોઈએ. આ પછી તમામ મોટી ઓઈલ કંપનીઓએ આવતા સપ્તાહ સુધીમાં ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવાનું આશ્વાસન આપ્યું છે.
આ પછી પામ ઓઈલ, સોયાબીન અને સનફ્લાવર ઓઈલ જેવા તમામ આયાતી ખાદ્યતેલોના ભાવ ઘટશે. તેમણે કહ્યું કે એકવાર આ ખાદ્યતેલોના ભાવ ઘટશે તો અન્ય તેલ પણ સસ્તા થશે પરંતુ વાસ્તવિકતા કઈક જુદીજ છે આજે એક લિટરના પાઉચ,પાંચ લીટર નું ડબલુ જે પહેલા મળતું હતું તેના ડબલ ભાવે વેચાય રહ્યું છે.
