ભારતમાં હાલ ચોમાસાની ઋતુ જામી છે અને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે પણ બીજી તરફ યુરોપ, અમેરિકા અને ચીનમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહયા છે. ગરમીને લીધે જંગલોમાં આગ લાગી રહી છે. ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ સહિત આશરે 10 દેશોમાં જંગલો બળી રહ્યાં છે.
બ્રિટનમાં હીટવેવનો માહોલ છે. હવામાન અધિકારીઓએ પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે કે ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે.
બ્રિટનમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. બ્રિટન હાલ સહરાના રણથી પણ વધુ ગરમ છે જેના લીધે ત્યાંના લોકોને વર્ક ફ્રોમ હોમ કરવા જણાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે દેશમાં પહેલીવાર પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. જો એવું થશે તો આ પહેલીવાર થશે. વધુ તાપમાનનો જૂનો રેકોર્ડ 38.8 ડિગ્રી સેલ્સિયસનો છે જે 2019માં સર્જાયો હતો. ગરમીથી નોટિંઘમશાયર, હેમ્પશાયર અને ઓક્સફોર્ડશાયરમાં સ્કૂલો બંધ કરાઇ છે.
એક્સટ્રીમ વેધર અંગે સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી ઉચ્ચારી છે. સંગઠનના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે કહ્યું કે જંગલની આગ અને હીટવેવને લીધે માનવતા જ સામૂહિક આપઘાતની અણીએ પહોંચી ગઈ છે. ગ્યુટરેસે ક્લાઇમેટ સંકટ પર 40 દેશોની બેઠકમાં મંત્રીઓએ કહ્યું કે પૂર, દુષ્કાળ, વધુ વાવાઝોડાં અને જંગલની આગથી અડધી માનવતા ખતરામાં છે.
5.5 કરોડ અમેરિકી ગરમી સહન કરી રહ્યા છે, ચીનમાં 68 શહેરોમાં રેડ એલર્ટ સ્પેન : 22 હજાર હેક્ટર જંગલ બળી ચૂક્યાં છે. દક્ષિણ-પશ્ચિમ સ્પેનમાં પારો 44 ડિગ્રી સેલ્સિયસથી ઉપર અને દેશના બાકી ભાગોમાં 40 ડિગ્રી સુધી જઈ ચૂક્યો છે. દેશમાં અત્યાર સુધી આગની 20 ઘટનાઓ બની ચૂકી છે.
ફ્રાન્સ : એક અઠવાડિયાથી ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ દરેક સરહદની નજીક જંગલોમાં આગ લાગી છે. 14,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. પારો 33 ડિગ્રીને પાર થઇ ચૂક્યો છે. હજુ નવા રેકોર્ડ સર્જાશે.
પોર્ટુગલ : ઉત્તરમાં લાગેલી જંગલની આગથી 2 લોકો મૃત્યુ પામ્યાં. 12,000 એકરથી વધુ વિસ્તાર પ્રભાવિત થયો. પોર્ટુગલમાં એક અઠવાડિયામાં પારો 47 ડિગ્રીને સ્પર્શી ચૂક્યો છે જે જુલાઈમાં નવો રેકોર્ડ છે.
અમેરિકા : અહીં 5.58 કરોડ લોકો એટલે કે 17 ટકા વસતી ગરમીની લપેટમાં છે. હવામાન વિભાગ અનુસાર આ અઠવાડિયાના મધ્ય સુધી દક્ષિણ, પશ્ચિમ અને મિડવેસ્ટમાં ઘાતક સ્તરે ગરમી પડવાનો અનુમાન છે. સ્થિતિ હજુ વણસશે.
ચીન : શાંઘાઈ સહિત અનેક શહેરો ભીષણ ગરમીનો માર સહન કરી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો અંડરગ્રાઉન્ડ શેલ્ટર્સમાં જઈ રહ્યા છે. શાંઘાઈ સહિત 68 શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
આમ,પર્યાવરણ સાથે ચેડાં કરવાથી આજે માનવજીવન ખતરામાં આવી ગયું છે અને તેની વિપરીત અસરો જોવા મળી રહી છે,કહેવાતા વિકાસે
પર્યાવરણની પથારી ફેરવી નાખતા લોકો મુશ્કેલીઓ ભોગવી રહયા છે અને આવનારા વર્ષો કેવા હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.