વડોદરા શહરેમાં ચાલુ રહેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું ચાલુ થયું છે અને કારેલીબાગમાં હાથીખાના માર્કેટ પાસેથી પસાર થતી કાંસમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે ,પરિણામે ઇન્દિરા નગરમાં રહેતા 100 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે,તંત્ર દ્વારા લોકોને ખસી જવા સતત અપીલ કરવામાં આવી રહી છે.
આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હોવાને કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માઇકમાં એનાઉન્સમેન્ટ કરી લોકોને સુરક્ષિત જગ્યાએ નાગરવાડા નવી ધરતીમાં આવેલ શાળા નંબર 10માં ખસી જવા અપીલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વરસાદી કાંસમાં આમ તો વિશ્વામિત્રી નદીમાં પૂર આવે ત્યારે પાણી બેક આવતા હોય છે અને તેના કારણે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે.
પરંતુ આ વખતે હાલ શહેરમાં પડી રહેલા વરસાદને કારણે તેમાં પૂરની સ્થિતિ સર્જાતા તંત્ર સ્ટેન્ડબાય છે કારણકે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતું હોય સતત નજર રાખવામાં આવી રહી છે.