સુરતમાં પાણી ઘૂસતા કિનારાના ભાગે વસતા લોકો સ્થળાંતર કરી ગયા છે.ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતાં તાપી નદી કિનારે બનાવવામાં આવેલા વોકવે અને રિવરફ્રન્ટમાં પાણી ઘૂસી ગયા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે તંત્ર એલર્ટ છે અને ફ્લડ ગેટ બંધ થાય તો પાણી ઉલેચવા માટે પાલિકાએ ડી-વોટરિંગ પંપ મૂકી દીધા છે.
ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે 2.28 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી રૂલ લેવલ 333ને પાર કરીને 333.38 પર પહોંચી છે. જેથી ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા 1.99 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા નદીની સપાટી સુરતના કોઝવે પર 9.46 મીટર પર પહોંચતા ચોક બજાર હદ વિસ્તારમાં ગણાતા છેવાડાના ભાગે આવેલા શનિવારી બજારમાં પાણી ભરાઈ ગયા છે જ્યાં 50થી વધુ ઝૂંપડાઓમાં પાણી ભરાઈ જતા અહીં વસતા લોકો અડધો સામાન અને બાળકોને લઈને ત્યાંથી નીકળી ગયા હતા,ડક્કા ઓવરા પાસે પાણી મંદિર સુધી આવી ગયા છે
ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલ રાતથી પાણી છોડવાની શરૂઆત કરી, ત્યાર બાદ આજે બે લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં આવી રહ્યું છે, જેને કારણે કોઝવેની સપાટી 10 મીટર નજીક પહોંચી ગઈ છે. કોઝવેની સપાટી વધતાં ભરીમાતા ફ્લડગેટ બંધ કરાયો છે. આ ઉપરાંત પાલિકાએ તાપી નદી ખાતે બનાવેલા વોકવે અને રિવરફ્રન્ટમાં પણ પાણી ઘૂસી ગયાં હોવાના અહેવાલ છે.