રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત, દ. ગુજરાત, મધ્ય ગુજરાત સહિત કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે. રાજકોટ, જામનગર, વડોદરા અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવારે કચ્છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. એટલે કે અહીં 4થી લઈને 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, આણંદ, ભરૂચ, સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડવાનું યલો એલર્ટ અપાયું છે.
25 જુલાઈએ 9 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે જેમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
તા. 24 અને 25 જુલાઈએ સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40થી લઈને 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.