વડોદરામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ ચૂક્યોછે.
ડેન્ગ્યૂ, ચિકનગુનિયા,કોલેરાના રોગો સહિત વાઇરલ ફિવરના કેસ વધી રહયા છે અને બે શંકાસ્પદ મોત નોંધાયા છે.
ગયા રવિવારે જેતલપુર રોડની યુવતીનું મોત થયાના સાત દિવસમાં જ શનિવારે શહેરના દંતેશ્વર વિસ્તારના 38 વર્ષના શ્રમજીવીને ઝાડા થઈ જતા દાખલ કરાયા બાદ 2 દિવસની સારવારમાં સયાજી હોસ્પિટલમાં મોત થયું છે.
શહેરમાં સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ અને ચેપી રોગના દવાખાના જેવી સરકારી હોસ્પિટલ સાથે અર્બન હેલ્થ સેન્ટરમાં આવતા દર્દીના આંકડા સામેલ કરવામાં આવેતો સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા સત્તાવાર આંકડા ઉપરથી શહેરમાં આરોગ્યની સ્થિતિ કેટલી ગંભીર છે તે સ્પષ્ટપણે જાણી શકાય તેમ છે.
વડોદરામાં કમળો, કોલેરા, ઝાડા-ઊલટી અને સાદા ઝાડાના દર્દીઓ વધ્યા છે.
સયાજીમાં શુક્રવારે કોલેરાના 4 પૈકી 1 દર્દી પોઝીટીવ આવ્યો હતો,જ્યારે શનિવારે કમળાના 17, ડેન્ગ્યૂના 47 અને કોલેરાના 4 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. બીજી તરફ ચેપી રોગના દવાખાનામાં 40 દર્દી દાખલ કરાયા છે. જે પૈકી 15 દર્દી કમળાના છે. ચેપી રોગના દવાખાનામાં જ કમળાના રોજ 35 દર્દી, ઝાડા-ઊલટીના 2 અને ટાઈફોઈડના 4 દર્દી તેમજ વાઈરલ ફિવરના રોજ 40 દર્દી આવી રહ્યા છે.
મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. આરોગ્ય વિભાગે શુક્રવારે મલેરિયાના 1450 ટેસ્ટ કર્યા હતા. જોકે આરોગ્ય વિભાગે તાવના માત્ર 435 દર્દી બતાવ્યા હતા.