ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે તેને લઈ રાજકીય પક્ષો તૈયારીઓમાં પડ્યા છે ત્યારે દેશની ભાજપની પહેલી સરકાર ગુજરાતમાં બની અને ભાજપના પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બન્યા હતા તે આજની નવી જનરેશનને આવાત ખૂબ ઓછાને ખબર હશે, ગુજરાતનો ઇતિહાસ કેશુભાઈ પટેલને એક સરળ અને સજ્જન મુખ્ય મંત્રી તરીકે કાયમ યાદ રાખશે.
ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો હતો અને કોંગ્રેસના સાથ વગર કોઈ હલી પણ શકતું ન હતું તે બાદ 1995માં કેશુભાઈ ગુજરાતમાં ભાજપની પહેલી સરકારના પહેલા મુખ્ય મંત્રી બન્યા ત્યારે આખા દેશની નજર ગુજરાત ઉપર હતી કારણકે કોંગ્રેસનો ગઢ તૂટ્યો હતો.
દેશભરમાં પણ ભાજપની આ પ્રથમ સરકાર હતી કારણકે પાંચ દાયકાના કૉંગ્રેસ અને મિશ્ર સરકારોના શાસન બાદ જાણે દેશમાં કઈક અલગ પવન ફૂંકાયો હતો.
ગુજરાતમાં ભાજપની પહેલી સરકારના ત્રણ મુખ્ય સ્તંભ- કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી.
આ આરએસએસના ત્રણ મજબૂત સ્વયંસેવકોએ બાજી પલ્ટી હતી પણ સમય બળવાન છે અને ક્યારે શુ થશે તે કહેવાય નહીં એમ આ ત્રણ મહારથીઓ સમય જતાં અલગ થઈ ગયા પણ ભાજપનો પાયો ગુજરાતમાં નાખી દીધો તે મજબૂત હતો અને તેના પરિણામ સ્વરૂપ આજે દિલ્હી કબ્જે કર્યું છે.
મુખ્ય મંત્રી કેશુભાઈ ખુબજ સરળ સ્વભાવના હતા દર બુધવારે કૅબિનેટ મિટિંગ પછી નિયમિત બપોરે પ્રેસ-કૉન્ફરન્સ કરીને પત્રકારોને જાતે મળતા અને મુક્ત મને ચર્ચા કરતા હતા તે કોઈપણ નાનામોટા પત્રકારને મળતા અને વાતો કરતા હતા.
સમય બદલાયો અને શંકરસિંહ વાઘેલાના આરએસએસ-ભાજપના સૌપ્રથમ બળવાએ ભાજપની પહેલી સરકાર 1997માં પાડી દીધી અને કેશુભાઈને ઘરે બેઠા.
ત્યારબાદ ફરી 1998મા શંકરસિંહની સરકાર પડી ગઈ અને કેશુભાઈ ફરી મુખ્ય મંત્રી બન્યા.
જોકે, આ અરસામાં આવેલા વિનાશક ધરતીકંપ દરમિયાન નબળી કામગીરી અને સાબરમતી સીટ પર ભાજપની હાર થતા તા. 3 ઑક્ટોબર 2001ના રોજ કેશુબાપાએ રાજીનામું આપ્યું અને નરેન્દ્ર મોદી નવા મુખ્ય મંત્રી બન્યા.
ગુજરાતનું મુખ્ય મંત્રીપદ નિભાવી નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદ સુધી પહોંચી ગયા.
2001માં નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી બન્યા બાદ કેશુભાઈ લગભગ નિષ્ક્રિય થઈ ગયા અને કેશુભાઈને તે વખતે
કાર્યકરો એમને મળવા જતા પણ ડરતા એવો માહોલ ક્રિએટ થયો હતો.
જોકે,પાંચ વર્ષ બાદ 2007ની ચૂંટણી પહેલાં સુરતમાં પટેલોએ કેશુભાઈના નેતૃત્વમાં મોદી સામે એક થવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે અસફળ રહ્યો.
કેશુભાઈ આ સમયગાળામાં અમેરિકા હતા અને ત્યાંથી સુરત આવી બળવો કરશે તેવી વાત હતી પણ તે સમયે કેશુભાઈ અમેરિકાથી સુરત આવ્યા જ નહીં અને જે ચર્ચા હતી તે પ્રમાણે કઈ થયું ન હતુ જોકે, ફરી પાંચ વર્ષના ઇન્ટરવલ અને વનવાસ બાદ 2012ની ચૂંટણી વખતે ગોરધન ઝડફિયા સાથે મળીને કેશુભાઈએ નરેન્દ્રભાઈ મોદી સામે ખુલ્લામ ખુલ્લા સામે આવ્યા અને ગુજરાત પરિવર્તન પાર્ટી ઉભી કરી ગુજરાતભરમાં ફરીને મોદી વિરુદ્ધ પ્રચાર પણ કર્યો અને ગોકુળિયા ગામ,મફત વીજળી, ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓ વગરે જાહેરાત કરી પણ બે બેઠકો થી આગળ વધી શક્યા નહિ અને 2014 સુધીમાં પાર્ટીનું અચ્યુતમ થઈ ગયુ.
ગુજરાતના ભાજપના મુખ્યમંત્રી તરીકે અને કેશુબાપાના હુલામણા નામે જબરજસ્ત લોકપ્રિયતા ભોગવ્યા બાદ, ગાંધીનગરના સરકારી બંગલામાં સાવ એકાકી જિંદગી દરમિયાન જૈફવયે પોતાના એક પછી એક સાથીઓનો સાથ છૂટતો ગયો.
કેશુભાઈના ધર્મપત્ની લીલાબાનું પણ આકસ્મિક અવસાન થયું છેલ્લે છેલ્લે પોતાના દીકરાના મૃત્યુની વેદના સહન કરવાનો વારો આવ્યો અને કોરોના પણ થયો. એમાંથી સાજા થઈને આવ્યા તો અચાનક હૃદયરોગે હુમલો કર્યો, જે જીવલણે નીવડ્યો અને તેઓ ફાની દુનિયા છોડી ગયા.
કેશુબાપાને તેમનાજ ભાજપે ભૂલાવવાના પ્રયાસો કર્યા તેની વેદના અંગે અનેક ચર્ચાઓ વચ્ચે ગુજરાત અને ઇતિહાસ કેશુભાઈ પટેલને એક સરળ અને સજ્જન મુખ્ય મંત્રી તરીકે તેમના ચાહકો હંમેશા યાદ રાખશે.
આજે ગુજરાતમાં ભાજપનું શાસન છે અને હવે આમ આદમી પાર્ટી પગપેસારો કરી ચુકી છે ત્યારે ગુજરાતના ઇતિહાસમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ નહિ બલ્કે આમ આદમીએ જગ્યા લઈ લીધી છે જે સૌની સામે છે પરિવર્તનનો પવન ફૂંકાતો રહે છે ક્યારે શુ થશે કઈ કહેવાય નહીં.