દ્રૌપદી મુર્મુ… આ નામ આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. તેમના જીવન સાથે જોડાયેલી દરેક વાતોને સમજવા માંગે છે.
હા, કેમ નહિ? છેવટે, વિશ્વની સૌથી મોટી લોકશાહીની સૌથી મોટી બંધારણીય ખુરશી પર આદિવાસી સમાજના મહિલા પ્રથમ વખત બેસવા જઈ રહયા છે.
પછાત અને વિકાસથી દૂર રહેલા આદિવાસી સમાજમાંથી બહાર આવીને દેશના રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચવાની સફરમાં મુર્મુએ પોતાના ત્રણ બાળકો અને પતિ પણ ગુમાવ્યા,બધુજ સમાપ્ત થઈ ગયું તેમ છતાં મુર્મુએ હાર ન માની અને આજે પોતાના માટે નહીં પણ દેશ બાંધવોની સેવા માટે દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે.
તેઓનું સંઘર્ષમય જીવન દરેકને પ્રેરણા આપે છે.
આવો જાણીએ તેમના જીવનના સૌથી દર્દનાક પાંચ વર્ષની કહાની.
દ્રૌપદીનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરગંજ જિલ્લાના બૈદપોસી ગામમાં સંથાલ આદિવાસી વંશમાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ એક ખેડૂત હતા. દ્રૌપદીને બે ભાઈઓ છે.
દ્રૌપદીનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું.
પરંતુ તેઓએ મહેનત કરી ભુવનેશ્વરની રમાદેવી મહિલા કોલેજમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું. દ્રૌપદી મુર્મુ પોતાની પુત્રીને ભણાવવા શિક્ષક બન્યા.
1980ના દાયકામાં દ્રૌપદી મુર્મુના પ્રેમ લગ્ન શ્યામ ચરણ મુર્મુ સાથે થયા હતા લગ્ન બાદ બીજા વર્ષે તેણે પુત્રીને જન્મ આપ્યો પણ તે પુત્રીનું 1984માં અવસાન થયું ત્યારે પુત્રી માત્ર ત્રણ વર્ષની હતી. મુર્મુના જીવનમાં આ પહેલો મોટો આઘાત હતો.
મુર્મુ આ આઘાતમાંથી માંડ બહાર આવ્યા જીવન પાટા પર પાછું ફરવા લાગ્યું.
આ દરમિયાન મુર્મુએ બે પુત્રો અને એક પુત્રીને પણ જન્મ આપ્યો.
તેઓએ 1997 માં રાજકારણમાં પ્રવેશ કર્યો. કાઉન્સિલરની ચૂંટણી લડયા અને ત્યારબાદ 2000માં તેઓ ધારાસભ્ય અને પછી મંત્રી બન્યા. શિક્ષકથી મંત્રી સુધીની સફર કરનાર મુર્મુએ હજુ જીવનનો સૌથી ખરાબ તબક્કો જોવાનો બાકી હોય તેમ તારીખ 27 ઓક્ટોબર 2009 ના રોજ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના પતરાપાડા વિસ્તારમાં આવેલ ઘરના પલંગ પરથી તેમના 25 વર્ષના પુત્રની લાશ મળી આવી હતી.
તે એક રહસ્યમય મૃત્યુ હતું.
તેનો પુત્ર લક્ષ્મણ તેના કાકા અને કાકી સાથે રહેતો હતો.
આ ઘટના સમયે દ્રૌપદી રાયરંગપુરમાં હતી. એવું કહેવાય છે કે લક્ષ્મણ સાંજે તેના મિત્રો સાથે ગયા હતા. મોડી રાત્રે તેના મિત્રો ઓટોમાં ઘરેથી નીકળ્યા હતા.
તે સમયે લક્ષ્મણની હાલત સારી ન હતી.
કાકા અને કાકીના કહેવાથી મિત્રોએ લક્ષ્મણને તેમના રૂમમાં બેસાડી દીધા. તે સમયે પરિવારના સભ્યોને લાગ્યું કે તે થાકને કારણે છે, પરંતુ સવારે લક્ષ્મણ બેડ પર બેભાન હાલતમાં મળી આવ્યો હતો.
પરિવાર તેને ડૉક્ટર પાસે લઈ ગયો, ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. આ રહસ્યમય મોતનું રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી.
આ ઘટનાના ચાર વર્ષ પછી પણ દ્રૌપદી હજુ તેના પુત્રના મૃત્યુના આઘાતમાંથી બહાર નીકળ્યા ન હતા ત્યાંજ તેઓને બીજા આઘાતજનક સમાચાર મળ્યા.
આ ઘટના 2013ની છે કે જ્યારે દ્રૌપદીનો બીજો પુત્ર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.
દ્રૌપદીના બે યુવાન પુત્રો ચાર વર્ષમાં મૃત્યુ પામ્યા હતા તેઓ હવે સંપૂર્ણપણે ભાંગી પડયા હતા.
પરિણામે તેઓએઆધ્યાત્મિકતાનો સહારો લીધો. દ્રૌપદીએ રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાનમાં જવાનું શરૂ કર્યું. તે અહીં ઘણા દિવસો સુધી ધ્યાન કરતા રહ્યા. તણાવ દૂર કરવા માટે રાજયોગ શીખ્યા અને સંસ્થાના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો.
આમ બે પુત્રોના મૃત્યુનું દર્દ હજુ શમ્યું ન હતું કે 2014માં દ્રૌપદીના પતિ શ્યામચરણ મુર્મુનું પણ અવસાન થઇ ગયુ.
કહેવાય છે કે શ્યામચરણ મુર્મુને હાર્ટ એટેક આવ્યો હતો, પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. શ્યામચરણ બેંકમાં નોકરી કરતા હતા.
સામાન્ય માણસના જીવનમાં એક પછી એક આટલા બધા આંચકા આવ્યા હોત તો તે સાવ ભાંગી પડ્યો હોત. પરંતુ, તે દ્રૌપદી મુર્મુ આટલા દુઃખભર્યાં સંઘર્ષ બાદ પણ જનતાની સેવામાં મન પરોવ્યું અને 20215 માં, તેઓને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા જ્યાં ખૂબ જનહિતના કામ કર્યા આજે પણ તેઓના કાર્યોને કારણે ત્યાં જાણીતા છે.
હવે દ્રૌપદીના પરિવારમાં એક માત્ર પુત્રી ઇતિશ્રી મુર્મુ છે.
ઇતિશ્રી બેંકમાં નોકરી કરે છે અને સામાન્ય જીવન જીવે છે.
આમ,પોતાના જીવનમાં બધુજ સમાપ્ત થઈ ગયું હોવાછતાં હવે દેશભાવના અને જનસેવા માટે બાકીની જિંદગી જીવી રહેલા દ્રૌપદી આજે રાષ્ટ્રપતિપદ સુધી પહોંચ્યા છે.